નજીવી બાબતે કારચાલકે વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી
કારચાલક આવેશમાં આવી ગયો હતો અને કારમાંથી બે છરી કાઢીને વિદ્યાર્થી પર હુલાવી દીધી હતી, જેમાં તેનું મોત થયું છે.
અમદાવાદ, શહેરના બોપલ વિસ્તારમાં મોડી રાતે એક પરપ્રાંતિય વિદ્યાર્થીની અજાણ્યા વાહનચાલકે કરપીણ હત્યા કરી દેતાં સન્નાટો વ્યાપી ગયો છે. વિદ્યાર્થી તેના મિત્ર સાથે બુલેટ લઈને જઈ રહ્યો હતો ત્યારે એક કારે પુરઝડપે આવીને યુટર્ન માર્યાે હતો. આ મામલે વિદ્યાર્થી અને કારચાલક વચ્ચે બબાલ થઈ હતી. કારચાલક આવેશમાં આવી ગયો હતો અને કારમાંથી બે છરી કાઢીને વિદ્યાર્થી પર હુલાવી દીધી હતી, જેમાં તેનું મોત થયું છે.
અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદથી માઈકા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પ્રિયાંશુ જૈન મૂળ ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી છે. રવિવારે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બંને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઈન્ટરવ્યૂ હોવાથી તે તેના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સિવડાવવા માટે ગયો હતો.
બંને જણા સૂટનું માપ આપીને વકીલ સાહેબ બ્રિજ પાસે નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરી લીધા બાદ બંને જણા કોલેજ જતા હતા. સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે પ્રિયાંશુને સ્વીટ લેવાની ઈચ્છા થઈ હતી. બંને જણાએ બુલેટ બેકરી પાસે ઊભું રાખ્યું હતું અને કેક લેવા માટે પહોંચી ગયા હતા. કેક લઈને બંને રૂમ પર બુલેટ લઈને જઈ રહ્યા હતા ત્યારે એક કારચાલક પુરઝડપે તેમની પાસેથી પસાર થયો હતો.
દરમિયાનમાં પ્રિયાંશુએ કારચાલકને કહ્યું હતું કે ઈતની જોર સે કયોં ગાડી ચલા રહે હો. કારચાલકે બુલેટનો પીછો કર્યાે હતો અને પ્રિયાંશુને કહ્યું કે રૂક રૂક કયા બોલા તૂ.. પૃથ્વીરાજે તેનું બુલેટ ઉભું રાખી દીધું હતું અને કારચાલકે પણ તેની ગાડી ઊભી રાખી દીધી હતી.
કારચાલકે પૃથ્વીરાજને આવતાંની સાથે કહ્યું હતું કે તુમ લોગ રોંગ સાઈડ મેં હો તો મેં જોર સે નહીં ચલાઉંગા, કારચાલકની વાત સાંભળીને પ્રિયાંશુ અને પૃથ્વીરાજ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધમકી આપી હતી કે રૂક અભી તુજે દિખાતા હૂં કહી કાર પાસે ગયો હતો અને બે છરી લઈને આવ્યો હતો.
પ્રિયાંશુને આડેધડ છરી મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો, જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પ્રિયાંશુને તબીબોએ મૃત જાહેર કર્યાે હતો, જ્યારે કારચાલક હુમલો કરીને નાસી ગયો હતો. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બોપલ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વહેલી સવારે એસપી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.