પત્નિને તેડવા ગયેલા જમાઈએ ડિસમસથી દાદા સસરાની હત્યા કરી નાખી
પત્નીને તેડી જવાની ના કહેતા જમાઈએ દાદા સસરાની હત્યા કરી, તેમજ સાસરિયાં તરફના ૬ લોકોને ઘાયલ કર્યા
રાજકોટ, રાજકોટનાં ભાવનગર રોડ પર આવેલ કાળીપાટ ગામે શનિવારની રાત્રે માવતરે ગયેલી પત્નીને તેડવા ગયેલા રીક્ષાચાલક પતિને સવારે તેડી જવાનું કહ્યું હતું. જે બાબતે લાગી આવતાં રાત્રિનાં ૩ વાગ્યે ફરી પત્નીને તેડવા સાસરે પહોંચ્યા હતા.
ત્યારે રીક્ષા ચાલકે દાદાજી સસરા સહિતના સાસરીયાઓ ઉપર ડિસમીસથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ અંગે પોલીસે બંને જૂથની ફરિયાદ પરથી સામસામો ગુના વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટનાં કાળીપાટ ગામે માવતરે રહેલી શિલ્પાબેન રાજુભાઈ મેર (ઉ.૩૦) એ આજી ડેમ પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં રાજુ મેરએ રાત્રિનાં ત્રણ વાગ્યે સસરાના ઘરે જઈ દાદાજી સસરા હંસરાજભાઈ મોરવાડિયા ઉપર ડિસમિસના ઘા ઝીંક્યા હતા.
જેમાં બચાવમાં ગયેલા દાદીજી સાસુ અને તેની પત્ની સહિત ચાર મહિલા અને સાળા સહિત કુલ ૬ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દાદા સસરા વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બાદ પરિવારના ૬ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન હંસરાજભાઇનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી આ સમગ્ર બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો અને આજીડેમ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, રાજુ મેરે પત્ની સહિત સાસરિયાના ૬ લોકો પર મારામારીની ફરિયાદ નોંધાવી છે.
રાજુ ઉર્ફે રાજેશ મનજી મેર (ઉંમર ૪૫ વર્ષ) ના ૧૮ વર્ષ પહેલા કાળીપાટ ગામની શિલ્પા સાથે લગ્ન થયા હતાં. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. રિક્ષા ચાલક પતિ રાજુ દારૂ પીને અવારનવાર પત્નીને મારકુટ કરતો હતો. જેથી શનિવારે શિલ્પાબેન માવતરે રિસામણે જતી રહ્યા હતા.
તેમને તેડવા માટે રાત્રિનાં ૮ વાગ્યે રાજુ ઉર્ફે રાજેશ સાસરે ગયો હતો. જ્યાં માથાકુટ થયા બાદ ફરી રાત્રિનાં ત્રણ વાગ્યે ચિક્કાર દારૂ પી સાસરે પત્નીને તેડવા માટે ગયો હતો અને ઘર ખખડાવવાના બદલે પાછળથી વંડી ટપી બારણાને પાટા મારી ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો.
આ ઘટના વિશે આરોપી રાજુએ કહ્યું કે, હું પત્નીને માવતરે લેવા માટે ગયો ત્યારે સાસરિયાં પક્ષે મોકલવાની ના પાડી હતી, એટલે હું જતો રહ્યો. ત્યારબાદ મને મારા સાળાનો ફોન આવ્યો કે ઘરે આવજાે, એટલે હું ત્યાં ગયો હતો. ત્યારે મારા સાળા, પત્ની સહિત ૬ લોકોએ મારા પર હુમલો કરતા બચાવમાં મે પણ પ્રતિકાર કર્યો હતો.
તો પત્નીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, મારો પતિ છેલ્લા ૧૫ વર્ષથી દારુ પી અનેક વખત મને મારતો હતો. બે દિવસ પહેલા જ મને બેફામ માર મારતાં મને માથામાં ટાકા આવ્યા હતા. એટલે હું મારા પિયરે ગઈ હતી. જેથી મારો પતિ મને તેડવા આવ્યા હતા.
આ સમયે મારા દાદાએ સવારે લઈ જવાનું કહેતા મારો પતિ ઉશ્કેરાયો હતો અને રાત્રે ૩વાગ્યાની આસપાસ મારા દાદા પર ડિસમિસથી હુમલો કર્યો હતો અને જે બચાવવા ગયા તેના પર પણ હુમલો કરતા કુલ ૬ લોકો ઘવાયા હતા.