નવસારીના નિવૃત PSIનું અમેરિકાના ન્યૂજર્સીમાં મર્ડર
નવસારી, નવસારી જિલ્લાના રહેવાસીની અમેરિકામાં હત્યા થયાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં આજે વહેલી સવારે નવસારીના બિલોમોરાના રહેવાસી પરિવારની હત્યા થઇ છે.
ખાસ વાત છે કે, પરિવાર છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો અને ત્યાં છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યાં હતા.
આ ઝઘડામાં આજે નિવૃત પીએસઆઇ, તેમના પત્ની અને તેમના દીકરાની તેમના જ દોહિત્રએ હત્યા કરી દીધી હતી. હાલ હત્યારા દોહિત્રની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ૧૫ વર્ષથી નવસારી જિલ્લાના બિલીમોરાનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો, દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ જે આ પહેલા બિલીમોરામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, અને અત્યારે પરિવાર સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરે રહેતા હતા, જ્યાં તેઓને ઝઘડો તેમના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ સાથે થયો હતો,
આ ઝઘડો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો. આ ઝઘડામાં નિવૃત્ત પીએસઆઇ દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના ૨૩ વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઘરમાં પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ હત્યાની ઘટના બાદ મૃતક દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી હતી.