બાઈક હટાવવાનું કહેતાં જ વિધવાને પાડોશીએ છરી મારી દીધી
(એજન્સી) અમદાવાદ, શહેરના નરોડા રોડ પર આવેલી બંસીની ચાલીમાં રહેતી વિધવા પર પાડોશમાં રહેતા બે ભાઈએ છરી વડે હુમલો કરતા મામલો બીચક્યો છે. વિધવા તેની પુત્રવધુ અને પૌત્ર સાથે દિવાળીની રાતે ફટાકડા ફોડવા માટે ઘરની બહાર આવી હતી, જયાં પાડોશમાં રહેતા યુવકનું બાઈક પાર્ક થયું હોવાથી તેણે હટાવવા માટે કહ્યું હતું. યુવક બાઈક નહીં હટાવતાં વિધવાને ગાળો બોલ્યો હતો અને પુત્રવધૂ તેમજ પોત્રની સામે છરી વડે હુમલો કરીને નાસી ગયો હતો.
નરોડા રોડ પર આવેલી બંસીની ચાલીમાં રહેતી લક્ષ્મી રાઠોડે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અજય સકસેના અને વિજય સકસેના વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. લક્ષ્મી રાઠોડ વિધવા છે અને તે તેના બે દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. લક્ષ્મી મારુતિ એસ્ટેટમાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે.
લક્ષ્મી જયાં રહે છે ત્યાં અજય સકસેના પણ તેના પરિવાર સાથે રહે છે. દિવાળીની રાતે લક્ષ્મી તેની પુત્રવધૂ નિશા અને પૌત્ર હયાન ઘરની બહાર ફટાકડા ફોડવા માટે જઈ રહ્યાં હતાં, ત્યારે અજયે બાઈક વચ્ચે પાર્ક કર્યું હતું. લક્ષ્મીએ અજયને બાઈક ખસેડી લેવા કહ્યું હતું, જેને લઈને મામલો બીચકયો હતો.
અજયે લક્ષ્મીને જવાબ આપ્યો હતો કે તમારે ફટાકડા જયાં ફોડવા હોય ત્યાં જઈને ફોડો હું મારું બાઈક નહીં હટાવું. અજય ગાળો બોલી રહ્યો હતો ત્યારે તેનો ભાઈ વિજય સકસેના પણ ત્યાં આવી ગયો હતો. અજય અને વિજય લક્ષ્મી રાઠોડને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેણે ગાળો બોલવાની ના પાડી હતી. અજયે એકદમ ઉશ્કેરાઈ જઈને તેની પાસે રહેલી છરી કાઢી હતી અને લક્ષ્મીના પગ પર હુલાવી દીધી હતી.
લક્ષ્મીને પગમાં છરીનો ઘા વાગતાં તેણે બૂમાબૂમ કરી દીધી હતી જેથી અજય અને વિજય ત્યાંથી નાસી ગયા હતા. લક્ષ્મીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તહેવાર હોવાના કારણે લક્ષ્મીએ કોઈ ફરિયાદ કરી નહી પરંતુ ગઈકાલે તેણે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. લક્ષ્મીની ફરિયાદના આધારે પોલીસે અજય અને વિજય વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.