વાસણામાં ૫૦૦ રૂપિયા ઉધાર આપવાનો ઈનકાર કરતાં હત્યા
અમદાવાદ, વાસણાના સોરાઈનગર વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સોએ રવિવારે રાતે ૫૦૦ રૂપિયા આપવાનો ઈનકાર કરનારા એક મિત્રની હત્યા કરી હતી.
વાસણા પોલીસના જણાવ્યા પ્રમામે, દેવેન્દ્ર માહોર નામનો મૃતક વાસણાના સોરાઈનગરમાં પાનનો ગલ્લો ચલાવતો હતો અને તેની હત્યા દિનેશ કોચરા, વિજય મકવાણા તેમજ અજય મકવાણા નામના શખ્સોએ કરી હતી. દેવેન્દ્રની પત્ની પ્રીતિ માહોર, જે સાણંદ પાસે આવેલા મોરેયામાં એક ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરે છે, તેણે વાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે રાતે એક અજાણ્યા શખ્સે તેને ફોન કર્યો હતો અને ત્રણ વ્યક્તિએ દેવેન્દ્ર પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. તે તરત જ વીએસ હોસ્પિટલ પહોંચી હતી.
જ્યાં દેવેન્દ્રને દાખલ કરવામાં આવ્યો હતો અને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. દ્રશ્યને નજરે જાેનારા એક વ્યક્તિએ પ્રીતિને જણાવ્યું હતું કે, દેવેન્દ્ર રવિવારે રાતે લગભગ ૮.૩૦ કલાકે સોરાઈનગરમાં આવેલા પાનના ગલ્લા પર બેઠો હતો ત્યારે દિનેશ કોચરા, વિજય મકવાણા અને અજય મકવાણા મકવાણા ત્યાં આવ્યા હતા. દિનેશે થોડા દિવસ પહેલા દેવેન્દ્ર પાસેથી ૫૦૦ રૂપિયા માગ્યા હતા.
દેવેન્દ્રએ તેને કહ્યું કે તેણે ભૂતકાળમાં જ્યારે પણ તેને ઉછીના આપ્યા હતા ત્યારે તેણે સમયસર પૈસા પરત કર્યા નથી. તેથી આ વખતે ૫૦૦ રૂપિયા આપવાનો ઈનકાર કર્યો હતો. આ વાતથી દિનેશ ઉશ્કેરાયો હતો અને દેવેન્દ્રને મનફાવે તેવા શબ્દો કહેવા લાગ્યો હતો.
જ્યારે દેવેન્દ્રએ આ વાતનો વિરોધ ઉઠાવ્યો ત્યારે દિનેશની સાથે વિજય અને અજયે તેને પાનના ગલ્લામાંથી બહાર ખેંચી લાવ્યા હતા અને ખૂબ ખરાબ રીતે મારઝૂડ કરી હતી. દેવેન્દ્રએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતાં દિનેશે ચપ્પુ કાઢ્યું હતું અને તેના છાતી તેમજ ચહેરા પર કેટલાક ઘા માર્યા હતા.
ત્યાં હાજર કેટલાક તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને તેને એલિસબ્રિજ પાસે આવેલી વીએસ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
વાસણા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એમ.સી. ચૌધરીએ કહ્યું હતું કે, આરોપીઓ મૃતકના મિત્રો હતા. દિનેશ પ્લમ્બર છે જ્યારે બાકીના બે દૈનિક વેતન પર આધાર રાખે છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની સામે હત્યા અને ઉશ્કેરણીનો ગુનો નોંધ્યો હતો. આ અંગ વધુમાં તપાસ ચાલી રહી છે.SS1MS