ટ્રેડવોરથી કોઈને લાભ થવાનો નથી યુરોપીયન દેશોનું સૂચન મસ્કે સ્વીકાર્યું

વોશિંગ્ટન, અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફનો અમલ શરૂ કરતાં સમગ્ર વિશ્વના શેરબજારોમાં ગભરાટ ફેલાયો છે. અમેરિકામાં પણ મંદી અને મોંઘવારીનો ભય ઝળુંબી રહ્યો છે.
મોટા ઉદ્યોગપતિઓથી માંડીને સામાન્ય નાગરિકોમાં ટેરિફ વોરના સંભવિત પરિણામો અંગે ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સાથી અને અબજોપતિ ઈલન મસ્કે પણ દબાતા અવાજે સૂર પૂરાવ્યો છે.
ટ્રેડ વોરથી કોઈને લાભ થવાની શક્યતા નહીં હોવાનો અભિપ્રાય સ્વીકારીને મસ્કે ઈટાલી સહિતના યુરોપીયન દેશો સાથે ગાઢ સંબંધોની આશા વ્યક્ત કરી હતીઈટાલીના જમણેરી સત્તાધારી પક્ષ ઈટાલી લીગની કોન્ફરન્સ ફ્લોરેન્સ ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં લીગના નેતા અને ઈટાલીના ઉપ-પ્રમુખ મટ્ટેઓ સાલ્વિનિ અને ઈલન મસ્ક વચ્ચે વીડિયો કોન્ફરન્સથી વાત થઈ હતી.
જેમાં સાલ્વિનીએ ઈટાલીના પ્રમુખ જ્યોર્જિયા મેલોનીની નીતિનો ઉલ્લેખ કરતાં અમેરિકા અને યુરોપ વચ્ચે મજબૂત અને ગાઢ સંબંધોની આશા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે અમેરિકા-યુરોપ વચ્ચે ઝીરો ટેરિફ ઝોન ઊભો કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.
ઈટાલીના આ સૂચનનો સ્વીકાર કરતાં ઈલન મસ્કે કહ્યું હતું કે, યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે ઝીરો ટેરિફ ઝોન હોવો જોઈએ અને ભવિષ્યમાં આ વિચાર સાકાર પણ થશે.SS1MS