Western Times News

Gujarati News

મસ્કનો મોહભંગ: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ની ખુલ્લેઆમ ટીકા કરી

વોશિંગ્ટન, ટેસ્લાના માલિક એલોન મસ્કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મહત્વપૂર્ણ કાયદા ‘બિગ બ્યુટીફુલ બિલ’ની ખુલ્લેઆમ ટીકા કરી છે. આ ટીકાને ગયા વર્ષની ચૂંટણી દરમિયાન બંને નેતાઓ વચ્ચે બનેલા સંબંધોમાં મોટો તિરાડ માનવામાં આવી રહી છે.

ટ્રમ્પના ચૂંટણી પ્રચારને ૨૫૦ મિલિયન ડોલરનો ટેકો આપનાર અને તેમના વહીવટમાં સલાહકારની ભૂમિકા પણ ભજવનાર એલોન મસ્ક હવે આ બિલથી ખૂબ નિરાશ છે.

તેમણે કહ્યું કે આ કાયદો માત્ર ખર્ચાળ નથી, પરંતુ તે તેમના વિભાગ, સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રયાસોને પણ નબળા પાડે છે. મસ્કે ઉમેર્યું કે, ‘એક બિલ મોટું અથવા સુંદર હોઈ શકે છે, પરંતુ મને નથી લાગતું કે તે બંને હોઈ શકે.’એક્સના માલિક એલોન મસ્કે કહ્યું કે આ બિલ સરકારી ખર્ચ અને નુકસાન બંનેમાં વધારો કરી રહ્યું છે.

આ તે ઉદ્દેશ્યની વિરુદ્ધ છે જેના માટે તેમણે સરકારી ખર્ચમાં ૧ ટ્રિલિયન ડોલરનો ઘટાડો કરવા ડીઓજીઈ વિભાગ બનાવ્યો હતો. પરંતુ હવે તેમનું માનવું છે કે વોશિંગ્ટન ડીસીની સરકારી વ્યવસ્થા અપેક્ષા કરતાં વધુ ખરાબ છે.

તેમણે કહ્યું કે, ‘મને લાગ્યું હતું કે કેટલીક સમસ્યાઓ હશે, પરંતુ સરકારી વ્યવસ્થામાં સુધારો કરવો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.’ મસ્કે એવું પણ ઉમેર્યું કે, હવે તેઓ રાજકારણનો સમય ઘટાડશે. કારણ કે, તેમને લાગે છે કે, તેમણે પૂરતું કામ કર્યું છે.

મહત્વનું છે કે, એલોન મસ્કે ચૂંટણી દરમિયાન ટ્રમ્પની ચૂંટણી ટોપી પહેરી હતી, પોતાની ચૂંટણી રેલીઓ યોજી હતી અને સરકારી ખર્ચને અમેરિકા માટે ‘અસ્તિત્વનું સંકટ’ ગણાવ્યું હતું. એક સમયે તેમણે કહ્યું હતું કે, હું તેમને પ્રેમ કરું છું.’

બદલામાં, ટ્રમ્પે પણ મસ્કની ખૂબ પ્રશંસા કરી હતી. જ્યારે ટેસ્લાના વેચાણમાં ઘટાડો થયો ત્યારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર ટેસ્લા કાર પાર્ક કરીને મસ્કને ટેકો દર્શાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.