જવેલર્સમાંથી ચોરાયેલા દાગીના પોલીસે મુથ્થુટ ફાઈનાન્સ અને ધીરધારની પેઢી પરથી કબ્જે કર્યા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના એલઆઇસી રોડ પર શ્રી ધનરાજ જ્વેલર્સ નામના સોના ચાંદીના શારૂમમાં સેલ્સગર્લ યુવતી દ્વારા કરાયેલી ચોરી મામલે ગોધરા શહેર છ ડિવિઝન પોલીસ દ્વારા ચોરીમાં ગયેલો ૧૭.૪૫ લાખનો મુદ્દામાલ શ્રોફ પેઢીમાંથી રિકવર કરાયો, અન્ય રૂ ૯૫.૬૩ લાખનો મુદ્દામાલ રીકવર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ગોધરા શહેરના એલઆઇસી રોડ પર આવેલ શ્રી ધનરાજ જ્વેલર્સ નામના સોના ચાંદીના દાગીનાના શારૂમમાં સેલ્સ ગર્લ તરીકે ફરજ બજાવતી યુવતીએ સવા કરોડ ઉપરાંતના દાગીનાની ક્રમશઃ ચોરી કરી હતી, સમગ્ર મામલો શારૂમનાં માલિકને ધ્યાને આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે, પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા આ તમામ દાગીના યુવતીએ પોતાના બોયફ્રેન્ડને આપી દીધા હોવાનું ખુલ્યું હતું,
જેમાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરતા યુવતીના બોયફ્રેન્ડ નિમેષ લીલારામ ઠાકવાણી નામના ઈસમે દાગીના ગોધરા શહેરના શરાફ બજારમાં આવેલી પારસ શ્રોફ નામની પેઢીમાં આપ્યા હોવાનું સામે આવ્યું હતું,જેમાં પારસ શ્રોફ પેઢીના માલિક ચિન્ટુ શાહ દ્વારા સામે ચાલીને રૂ ૧૭.૪૫ લાખના દાગીના પોલીસને પરત કરીને તપાસમાં સહયોગ આપવામાં આવ્યો છે,
જ્યારે અન્ય રૂ ૯૫.૬૩ લાખના દાગીના મ્યુથુટ ફાયનાન્સ પેઢીમાં ગીરવે મૂકીને રૂ ૪૨ લાખ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે, જે દાગીના પરત મેળવવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી,
આમ પોલીસ દ્વારા ચોરીમાં ગયેલા રૂ ૧.૨૬ કરોડ પૈકીના ૧.૧૩ કરોડના દાગીના રીકવર કરી લેવામાં આવ્યા છે, તો સાથે જ ગોધરા શહેર છ ડિવિઝન પોલીસ દ્વારા ફરાર થયેલા યુવતીના બોયફ્રેન્ડ નિમેષ ઠાકવાણીને ઝડપી પાડવા માટે તપાસ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી.