મુથૂટ ફાઇનાન્સ સીક્યોર્ડ NCD પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 2,000 કરોડનું ભંડોળ ઊભું કરશે
કોચી, મુથૂટ ફાઇનાન્સ લિમિટેડએ રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સીક્યોર્ડ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“સીક્યોર્ડ એનસીડી”)ના પબ્લિક ઇશ્યૂની 23મી સીરિઝની જાહેરાત કરી છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ રૂ. 100 કરોડ છે, જેમાં રૂ. 1900 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ હોવાથી આ ઇશ્યૂની લિમિટ રૂ. 2000 કરોડ થાય છે (“ઇશ્યૂ”).
આ ઇશ્યૂ 27 ઓક્ટોબર, 2020ના રોજ ખુલશે અને 20 નવેમ્બર, 2020ના રોજ બંધ થશે, જેમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કે એનસીડી સમિતિ દ્વારા વહેલાસર બંધ કરવાનો કે એને લંબાવવાનો નિર્ણય લેવાનો વિકલ્પ છે.
આ સૂચિત ઇશ્યૂ અંતર્ગત સીક્યોર્ડ એનસીડી ક્રિસિલનું CRISIL AA/પોઝિટિવ અને ઇક્રા દ્વારા [ICRA] AA (સ્ટેબ્લ) રેટિંગ ધરાવે છે. ક્રિસિલ અને ઇક્રા દ્વારા સીક્યોર્ડ એનસીડીનું રેટિંગ “નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા સાથે સંબંધિત ઉચ્ચ સ્તરીય સલામતી”નો સંકેત છે. એનસીડીનું લિસ્ટિંગ બીએસઈ પર થશે. ફાળવણી વહેલા એ પહેલાના ધોરણે થશે.
‘માસિક’ કે ‘વાર્ષિક’ ધોરણે વ્યાજની ચુકવણી અથવા ‘મેચ્યોરિટી પર રિડેમ્પ્શન’ ચુકવણી સાથે સીક્યોર્ડ એનસીડી માટે રોકાણના 6 વિકલ્પો છે, જેમાં વ્યાજના દરની રેન્જ અનુક્રમે 7.15 ટકાથી 8.00 ટકા છે.
મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂટે કહ્યું હતું કે, “હાલ વ્યાજના નીચા દર અને વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની અપેક્ષાએ અમારી ઇશ્યૂ ઓફર રોકાણકારોને અતિ સ્થિરતા સાથે લાંબા ગાળાના રોકાણના વિકલ્પો આપશે. ઇશ્યૂ કંપનીના લાંબા ગાળાની ફંડિંગની જરૂરિયાતો વધારશે, જેથી અમારી કંપનીના વિચાર મુજબ સ્થિર વૃદ્ધિને ટેકો આપશે. અમને અપેક્ષા છે કે, હાલના ઇશ્યૂને અમારા અગાઉના એનસીડી ઇશ્યૂની જેમ સારો પ્રતિસાદ મળશે, કારણ કે અત્યારે બજારમાં આને સમકક્ષ રોકાણના અન્ય માધ્યમો ઉપલબ્ધ છે.”
આ ઇશ્યૂ દ્વારા ઊભા થનાર ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે કંપનીની ધિરાણ કામગીરી માટે થશે. ઇશ્યૂના લીડ મેનેજર્સ એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, જે એમ ફાઇનાન્સિયલ લિમિટેડ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ છે. ઇશ્યૂના ટ્રસ્ટી આઇડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિમિટેડ છે. ઇશ્યૂના રજિસ્ટ્રાર લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.