પરસ્પર વિશ્વાસ, સહવાસ વગરનાં લગ્ન સંબંધ માત્ર કાનૂની બંધનઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, લાંબા સમયથી અલગ રહેતા સોફ્ટવેર એન્જિનિયર દંપતીને છૂટાછેડા આપવાના મદ્રાસ હાઈકોર્ટ ચુકાદાને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન પરસ્પર વિશ્વાસ, સહવાસ અને સહિયારા અનુભવો આધારિત સંબંધ છે. આવા આવશ્યક તત્વો ગાયબ થઈ જાય છે ત્યારે વૈવાહિક બંધન માત્ર કાનૂની ઔપચારિકતા બની જાય છે.
અદાલતે સતત કહ્યું છે કે લાંબા સમય સુધી અલગ રહેવું અને સુલેહ ન થવો તે વૈવાહિક વિવાદોને ઉકેલવામાં મહત્વપૂર્ણ પરિબળ છે.ન્યાયાધીશ વિક્રમ નાથ અને પીબી વરાલેની ખંડપીઠે જણાવ્યું હતું કે અલગ રહેવાનો સમયગાળો અને દંપતી વચ્ચેની દુશ્મનાવટ એ સ્પષ્ટ કરે છે કે લગ્નસંબંધને ફરી થાળે પાડવાની કોઇ શક્યતા નથી.
પતિ-પત્ની બંને બે દાયકાથી અલગ રહે છે અને આ હકીકત એ તારણને વધુ મજબુત બનાવે છે કે લગ્ન હવે ટકી શકે તેમ નથી. આ કિસ્સામાં પક્ષકારોએ ૨૦૦૪થી વૈવાહિક જીવન માણ્યું નથી અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે.
આ સોફ્ટવેર એન્જિનિયર દંપતીને મદ્રાસ હાઇકોર્ટે ક્‰રતાને આધારે છૂટાછેડાનું હુકમનામું આપ્યું હતું. જોકે પત્નીએ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે પતિએ પૂરતા પુરાવા આપ્યા છે કે પત્નીએ તેને માનસિક અને ભાવનાત્મક તકલીફ આપી હતી.
તેમાં પતિ અને તેના પરિવાર સામે ખોટી અને આધારહીન ફોજદારી ફરિયાદોનો સમાવેશ થાય છે. તેનાથી તેમના સંબંધો વધુ કથળ્યા હતાં અને પતિની પ્રતિષ્ઠા અને માનસિક શાંતિને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.
જસ્ટિસ નાથે જણાવ્યું હતું કે વૈવાહિક વિવાદોમાં આ કોર્ટે બંને પક્ષોના કલ્યાણ અને ગૌરવને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. લગ્ન દુઃખ અને સંઘર્ષનું કારણ બન્યા હોય તેવા લગ્ન ચાલુ રાખવાનું દબાણ લગ્ન સંસ્થાના મૂળ ઉદ્દેશ્યને મારી નાંખે છે.SS1MS