મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર મંડાલય સ્મશાનમાં ફેરવાયું

વિનાશક ભૂકંપના પગલે કાટમાળ નીચે દબાયેલા લોકોના આક્રંદ સંભળાયા, પણ રાહત પહોંચે તે પહેલાં મોત આંબી ગયું
મંડાલય,શુક્રવારે આવેલા વિનાશક ભૂકંપ બાદ મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર મંડાલય સ્મશાનમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ છે. ચારે બાજુ મૃતદેહો અને સ્વજનોના આક્રંદ વચ્ચે રાહત કામગીરી ચાલી રહી છે. વહીવટી તંત્ર અને સ્વયંસેવકો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને ઉગારવા પ્રયાસ થઈ રહ્યા છે. અનેક કિસ્સામાં કાટમાળ નીચે દબાયેલા લોકોના આક્રંદના અવાજ રાહતકર્મીઓને સંભળાય છે અને પીડિતોને બચાવવા તંત્ર મચી પડે છે, પરંતુ રાહત પહોંચે તે પહેલાં અસરગ્રસ્તોનો મોત આંબી ગયું હોય તેવા દૃશ્યો ઠેર-ઠેર જોવા મળે છે. શુક્રવારે મ્યાનમારમાં ૭.૭ મેગ્નિટ્યુટનો ભૂકંપ આવ્યો હતો, જેનું એપિ સેન્ટર મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર મંડાલય હતું.
આ શહેરમાં વિશાળકાય ઈમારતો પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ હતી અને હાઈવે જર્જરિત કપડાની જેમ ચિરાઈ ગયા હતા. ઘટનાના બે દિવસ બાદ પણ રાહત કામગીરીમાં અપેક્ષા મુજબની સફળતા મળતી નથી. મંડાલય શહેરની ગલીઓમાં અનેક મૃતદેહો રઝળી રહ્યા છે. મૃતદેહોમાંથી આવતી દુર્ગંધની વચ્ચે જીવિત રહેલા લોકોની આંખોમાં પોતાના સ્વજનને ગુમાવ્યાનું દુઃખ છલકાઈ રહ્યું છે. વિનાશકારી ભૂકંપે આ વિસ્તારમાં ૧૬૦૦થી વધુનો ભોગ લીધો છે અને હજુ ઘણાં લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મ્યાનમારમાં ભૂકંપગ્રસ્તોની સહાય કરી રહેલા સ્વયંસેવક કિઆઉ મીન પોતાના શહેરની વાત કરતાં-કરતા રડી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આખું શહેર તબાહ થઈ ગયું છે. ચારે બાજુ મૃતદેહો છે.
અમને કાટમાળ નીચે દબાયેલા લોકોના આક્રંદ સંભળાય છે, પરંતુ અમે તેમના સુધી સમયસર પહોંચી શકતા નથી. ભૂકંપ પહેલા અને તે પછીના મ્યાનમારની સેટેલાઈટ તસવીરો મનને હચમચાવી નાખે તેવી છે. મૃત્યુનો સત્તાવાર આંકડો ૧૬૦૦ને આંબી ગયો છે અને ૩,૪૦૮ લોકો ઘાયલ છે. કાટમાળ નીચેથી સતત મૃતદેહો મળી રહ્યા છે, જેના લીધે મૃત્યુ આંક વધવાનું નિશ્ચિત છે. છૂટાછવાયા ગામડાઓમાં તબાહીનો અંદાજ હજુ સુધી મળી શક્યો નથી. રાહત કામગીરીની વચ્ચે આફટર શોક્સ અનુભવાઈ રહ્યા છે.
શનિવારે બપોરે ૫.૧નો આંચકો આવ્યો હતો. લોકો રસ્તાઓ પર જીવન ગુજારી રહ્યા છે અને પોતાના સ્વજનોને શોધવાની આશામાં ભટકી રહ્યા છે. મ્યાનમારમાં તમામ હોસ્પિટલો ભરાઈ ગઈ છે. તંત્ર પાસે દવાઓ નથી, લોહી નથી અને સારવાર માટે કોઈ સુવિધા નથી. એકંદરે આભ ફાટ્યું હોય ત્યારે થીગડું મારવા જેવી સ્થિતિ છે અને રાહત કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓ લાચારી અનુભવી રહી છે.