નડિયાદ કલેકટર કચેરીમાં છેલ્લા ૩ માસથી બંધ ટોકન મશીનના કારણે અરજદારો પરેશાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/NADIAD.jpeg)
નડિયાદ, નડિયાદ કલેક્ટર કચેરીમાં જન સુવિધા કેન્દ્રમાં ૩ માસથી ટોકન મશીન બંધ રહેતા અરજદારોને ટેબલે ટેબલે લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ડિજિટલ ઈન્ડિયાની વીકની ઉજવણી વચ્ચે સરકારી દફતરે ફળવાયેલા ટોકન મશીનો ટેકનિકલ ખામીથી બંધ પડી જતાં અરજદારો અટવાય છે.
ટોકન મશીનથી અરજદારનો એ ફાયદો હતો કે, તેઓ ટોકન લઈ આરામથી એ જગ્યા બેસી રહે અને પછી તેમનો નંબર આવે ત્યારે તે ઊભા થઈને જઈ શકે પરંતુ અહીંયા મશીન બંધ હોય અરજદારોને ધક્કા મુક્કીમાં ઊભા રહેવાની ફરજ પડે છે.
ખેડા જિલ્લામાં મોટાભાગની સરકારી કચેરીઓમાં મૂકવામાં આવેલા ટોકન મશીનોની દયનીય હાલત છે. સરકારી દફતરોમાં અરજદારોના સમયનો વેડફાટ ન થાય તે હેતુસર ટેકનોલોજીના આધારે ટોકન મશીન ચાલુ કરાયા હતા. આવા મશીનો આકસ્મિક ટેકનિકલ ખામીના કારણે અટકતાં અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.
જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં કલેક્ટર કચેરીમાં આવેલ જન સુવિધા કેન્દ્ર ખાતે મૂકવામાં આવેલ ટોકન મશીન લગભગ છેલ્લા ૩ માસથી બંધ હાલતમાં છે. જેથી અહીંયા આવતા અરજદારોને ટેબલે લાઈનમાં ઊભા રહેવું પડે છે. ક્યારેક લાઈન બાબતે અરજદારોમાં બોલાચાલીના દૃશ્યો સર્જાય છે. આમ, ટોકન મશીન ચાલતું ન હોવાથી અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉપરાંત સમયનો પણ વેડફાટ થવાનું અરજદારો જણાવી રહ્યા છે. જાે કે આ વિભાગના કર્મચારીને પૂછતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩ માસથી આ ટોકન મશીન બંધ છે તેને રીન્યુ કરવા માટે કંપનીમાં આપ્યું છે, એક બે દિવસમાં આવી જશે તેમ જણાવ્યું છે.HS1KP