5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા નડિયાદના ASI
અમેરિકામાં વસતા ફરિયાદના દિકરાનો પાસપોર્ટ ગુમ થયો હતો માટે નવો પાસપોર્ટ કઢાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરેલ હતી.
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ પોલીસ અઘીક્ષકની કચેરીમાં એલ.આઇ.બી શાખામાં ફરજ બજાવતા ASI રૂપિયા ૫ લાખની લાંચ લેતા રંગેહાથે ACB છટકામાં આવી ગયા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ લાંચીયા પોલીસ કર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ પોલીસ અઘીક્ષકની કચેરીમાં એલ.આઇ.બી શાખામાં ફરજ બજાવતા અનાર્મ એ.એસ.આઇ ભરતગીરી ઈશ્વરગીરી ગૌસવામી આજે ગુરૂવારે રૂપિયા ૫ લાખની લાંચ લેતા પકડાયા છે.
અમેરિકામાં વસતા ફરિયાદના દિકરાનો પાસપોર્ટ ગુમ થયો હતો માટે નવો પાસપોર્ટ કઢાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરેલ હતી. અમેરીકાની ભારતીય એમ્બેસીમાંથી અહી ભારતમાં ‘પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ’ અંગે ઈન્કવાયરી આવેલ હોઇ તે અંગેનું સર્ટીફિકેટ ફરીયાદીના દીકરાની તરફેણમાં આપવા માટે આ પોલીસ કર્મી ભરતગીરી ઈશ્વરગીરી ગૌસવામી આક્ષેપીતે ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા ૪૦ લાખની માંગણી કરી હતી.
જોકે રકઝકના અંતે રૂપિયા ૫ લાખમાં સોદો નક્કી થયો હતો. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહોતા માટે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.
દરમિયાન એસીબી પોલીસે આજે ગુરુવારે આ લાંચનુ છટકું ગોઠવ્યું હતું. જેમાં છજીં ભરતગીરીને ઉત્તરસંડા લાલના કુવા પાસે, સ્ટેશન રોડથી આ લાંચની રકમ રૂપિયા ૫ લાખ સ્વિકારતા રંગેહાથે ઝડપી લીધા હતા. એસીબી પોલીસે રૂપિયા ૫ લાખની રકમ રીકવર કરી આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા સાથે લાંચનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ અધિકારીએ જણાવ્યું કે, છટકા દરમ્યાન ફરિયાદીના ઘરે આવી આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી લાંચ નાં નાણાં માંગી સ્વીકારતા ત્યાં હાજર અમારી ટીમે પકડી પાડ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ રાજ્યકક્ષાના ધ્વજવંદનની ઉજવણી નડિયાદમાં થવાની છે જેની ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે આ ઉજવણીના માત્ર ૭ દિવસ પહેલા જિલ્લા પોલીસ પર લાંચનો દાગ લાગતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.