Western Times News

Gujarati News

ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન અભિવાદન કરાયું

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત ઉપરાંત પેટા ચૂંટણીઓમાં ચૂંટાઈ આવેલા ભાજપના સહુ વિજેતા ઉમેદવારોનું ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કમલમ, નડિયાદ મુકામે ભવ્ય સન્માન અભિવાદન કરાયું હતું.

તે પૂર્વે કમલમ,નડિયાદ મુકામે ફટાકડાની આતશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો.ઉલ્લેખનીય છે કે ખેડા , ચકલાસી, મહેમદાવાદ, મહુધા, ડાકોર અને કપડવંજ નગરપાલિકા ,કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત અને અન્ય પેટા ચૂંટણીઓમાં કુલ ૧૧૪ ભાજપના વિજેતા ઉમેદવારોનું સન્માન અભિવાદન કરાયું હતું.

આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં ભાજપના જે કાર્યકરો,હોદેદારો અને મંડળ પ્રમુખોએ પણ સમર્પિત ભાવ ને નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી તે સહુને બિરડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સહુ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સાંસદ દેવુસિંહ ચૌહાણનું માર્ગદર્શન,ધરાસભ્યોનું સંકલન અને સંગઠનના કાર્યકરો,હોદ્દેદારો સહુના ટીમવર્કથી આ ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થયો છે .

જેમાં ખેડા અને મહુધા જેવી નગરપાલિકાઓમાં પહેલીવાર ભાજપને બહુમતી મળી છે.તો ડાકોરમાં પણ અપક્ષોના પ્રભાવમાંથી પાલિકા મુક્ત બની ભાજપના પ્રભાવમાં આવી છે .સહુ વિજેતા ઉમેદવારોએ પ્રજાની વચ્ચે રહી પ્રજાનું ,સરકારનું ને સંગઠનનું કામ સુપેરે કરવાનું છે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્ર ને રાજ્યનું જે કામ થઈ રહ્યું છે તેમાં સહભાગી થવા સહુને શીખ આપી હતી.

નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સહુ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે,કાર્યકરોની મહેનત રંગ લાવી છે,ને ગત ટર્મ કરતાં આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ૪૬ જેટલી બેઠકો વધુ મળી છે.નગર પાલિકામાં સારો વહીવટ કરવા સહુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યું હતું ધારાસભ્ય રાજેશભાઇ ઝાલાએ કહ્યું હતું કે મતદાતાઓએ ભાજપ પર જે ભરોસો મુક્યો છે

તે ભરોસો જાળવી રાખવા અને તેવા પ્રજાલક્ષી કાર્યો કરવાની વાત પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે વિમલભાઈ ઉપાધ્યાયે સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાજેશભાઇ પટેલ,અમિતભાઇ ડાભી ,નટુભાઈ સોઢા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ,રાજેન્દ્રભાઇ પટેલ વગેરે હોદ્દેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.