Western Times News

Gujarati News

નડિયાદના ચકલાસી નજીક યોજાનારા ૧૫૧ યુગલના સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી હાજરી આપશે

નડિયાદ તેમજ મહુધા વિધાનસભાના ધારાસભ્યના સંયુક્ત પ્રયાસથી આ સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાના ચકલાસી નજીક નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાના સંયુક્ત પ્રયાસથી યોજાનાર ૧૫૧ યુગલોના સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી હાજરી આપનાર છે તે પૂર્વે મહેમદાવાદ ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે બનેલ રવિશંકર મહારાજ હોલનું પણ મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. Nadiad chaklasi mass marriage Ravishanka Maharaj Hall, AUDA

મહેમદાવાદ નગરમાં સ્ટેશન રોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા ‘પૂજ્ય રવિશંકર મહારાજ’ હોલનું ભવ્ય નિર્માણ થયું છે. આ હોલ ૨૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

ત્રણ માળના હોલમાં ગ્રાઉન્ડ ફ્‌લોર પર બેંકવેટ હોલ જેમાં ૧૨૦૦ વ્યક્તિઓ આરામથી બેસી શકે અને આ ઉપરાંત રસોડુ છે. જ્યારે બીજા માળે સેન્ટ્રલ એસી ધરાવતી લાયબ્રેરી જેમાં એકી સાથે ૨૦૦ વિદ્યાર્થીઓ વાંચન કરી શકે તેવી બનાવવામાં આવી છે. આ સાથે ત્રીજા માળે સેન્ટ્રલ એસી ધરાવતું અધતન ઓડિટોરિયમ હોલ જે આ હોલની વિશેષતા છે. આ હોલની આગળ ગાર્ડન અને અંદાજે ૨૦૦ કાર વાહનો પાર્ક થઈ શકે તેવો ર્પાકિંગ એરિયા છે.

આ નિર્માણ પામેલા હોલનું નામ ‘પૂજ્ય રવિશંકર મહારાજ’ રાખવા પાછળ પણ ઈતિહાસ છુપાયો છે. મૂકસેવક અને ગુજરાત રાજ્યની ચળવળના પ્રણેતા પૂ.રવિશંકર મહારાજ મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની હતા અને તેમના નામથી મહેમદાવાદ પંથકની ઓળખાણ હોય ખાસ તેમના માનમાં આ નામ આપવામાં આવ્યું છે.

આ હોલ અંદાજે ત્રણ વર્ષના અંતે બનાવાયો છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા રજૂઆત કરી ખાસ આ હોલનુ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ગૌરવક્ષણ નજીક આવી છે અને ૧૨મી એપ્રિલ ૨૦૨૫ના રોજ આ અધતન હોલનું લોકાર્પણ થનાર છે.

બપોરે ૧૨ કલાકે થનાર આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ હાજર રહેશે. આ ઉપરાંત ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, અમદાવાદના પૂર્વ સાંસદ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, દસક્રોઇના ધારાસભ્ય, વટવાના ધારાસભ્ય, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય સહિત ઔડાના અધિકારીઓ હાજર રહેશે.

અત્રે નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીના ખેડા જિલ્લામાં પ્રવાસ પૂર્વે ખેડા જિલ્લાના કલેકટરએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાના મહેમદાવાદ તથા નડિયાદના ચકલાસી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સંદર્ભમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે મહેમદાવાદ ખાતે આવેલ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ નવા હોલની મુલાકાત લઈ કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

કલેકટરએ મહેમદાવાદ સ્થિત પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ નવા હોલની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સફાઈ, વીજળી, રોડ રસ્તા, ટ્રાફિક, ઢોર નિયંત્રણ, ફાયર સેફ્‌ટી, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની

સુચારૂ વ્યવસ્થાઓ જાળવવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેમદાબાદ ખાતે પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ નવા હોલનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી ચકલાસી ખાતેના સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.