સમસ્ત અનુસુચિત સમાજ દ્વારા નડિયાદ કલેકટરને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ) નડિયાદ, એસટી કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચૂકાદો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આપ્યો છે જેના પગલે એસસી એસટી કેટેગરીના લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે એસસી, એસટી કેટેગરીમાં વર્ગીકરણ બાબતે સુપ્રીમના ચૂકાદાને નિરસ્ત કરી એસસી, એસટીની અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ રાખવા માંગ સાથે આજે ખેડા જિલ્લા કલેકટરને આવાદો પત્ર આપવામાં આવ્યું છે.
દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યં છે. ભારત બંધના એલાનમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓ પણ સામેલ થયા છે. ત્યારે ખેડા જિલ્લામાં સમસ્ત અનુસુચિત સમાજ દ્વારા નડિયાદ કલેકટર કચેરીમાં આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે
રાષ્ટ્રપતિને સંબોધીને નડિયાદ કલેકટર કચેરીમાં અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પહેલી ઓગસ્ટના રોજ પંજાબ સરકાર/ રાજ્ય સરકારના સંદર્ભમાં આવેલ ચુકાદામાં રાજ્યોને એસસી, એસટી કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચૂકાદો આવેલ છે. આ ચુકાદાથી એસસી, એસટી કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે / આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવ્યા છે તે બંધારણીય બેંચ દ્વારા એસસી, એસટી કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાન છે.
આ ચુકાદાના કારણે એસસી જાતિઓ કે જેની સાથે સમાન પ્રમાણે આભડછેડની પ્રેકટીલ થાય છે તેવી જાતિઓના સમુહને અનામતના માધ્યમથી તેના હક્કો- પ્રતિનિધિત્વ જાળવવાની બંધારણીય પ્રતિબધ્ધતા સામે સવાલો ઉભા થઈ શકે છે. અનુસુચિત જાતિ અને જનજાતિ એ સમાન પણે ભેદભાવનો સામનો કરતી જાતિઓનો વર્ગ/કેટેગરી છે, જેમાં તે વર્ગના પ્રતિનિધિત્વ માટે સંવૈધાનિક જોગવાઈ છે.
દેશની હર એક જાતિ માટે જોગવાઈ નથી અને ૬૭૪૩ જાતિઓ ધરાવતા દેશમાં દરેક જાતિ માટે અલગ વ્યવસ્થા કરવી પણ શક્ય નથી.આ વર્ગ/કેટેગરીમાં જાતિઓના સ્વીકાર અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ ૩૪૧ મુજબ મહામહિમ રાષ્ટ્રપતિ છે. તેમ છતાં સુપ્રિમકોર્ટ દ્વારા આ કેટેગરીમાં વર્ગીકરણના અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચુકાદો આપી સુપ્રિમ કોર્ટ પોતાની સત્તા વગરનો નિર્ણય કરેલો છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે
અમારી માંગણી છે કે, એસસી, એસટી અનામત કેટેગંરી ક્ષેત્રમાં ઉપકોટા કરવા રાજ્યોને સત્તા ૧/૮/૨૦૨૪નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેચનો ચૂકાદો નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચૂકાદાને બહાલ કરવામાં આવે. એસસી, એસટી કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે જે ગરીબ રહી ગઇ છે.
તેને અલગથી ઈડબલ્યુએસ જેવી સગવડ જનરલ કોટામાંથી આપવામાં આવે. એસસી, એસટી બંધારણીય અનામત જોગવાઈ ‘પ્રતિનિધિત્વ’ જે બંધારણની ૯મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગ-દ્રેશ રાજકીય લાભ આપવા કોઈ સતાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે. એસસી, એસટી કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે.