નડિયાદ નજીક એકસપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં માતા-પુત્ર સહિત ત્રણનાં મોત
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. નડિયાદ નજીકના એક્સપ્રેસ હાઈવે પર ગતમોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટે આવતી કારનુ એકાએક ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. જેમાં ૩ લોકો મોતના મુખમાં ધકેલાયા છે. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે.
નડિયાદ નજીકથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મંગળવારની મોડી રાત્રે આ હાઈવેના બિલોદરા બ્રીજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો છે. જેમાં પસાર થતી કારનુ એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કુદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી.
આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત ૫ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે બે વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા ની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા છે. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સ્થાનિક રાઠોડ પ્રવિણસિંહે જણાવ્યું કે, મોડી રાત્રે અવાજ આવતા તેઓ તુરંત એક્સપ્રેસ હાઇવે પર આવી પહોંચ્યા હતા. જ્યાં ટ્રક થોડે દુર આગળ પડી હતી અને કાર થોડે દુર, એ બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કારના કાટમાળને હટાવ્યો હતો. જેમાં ત્રણના મૃતદેહને બહાર કાઢ્યા છે તો વળી બે લોકોને જીવીત બહાર કાઢ્યા છે.
મૃતકો ના નામ ઃ( ૧) દલપતભાઈ ચમનાજી પુરોહિત (ઉ.વ.૩૮, ડ્રાઈવર, રહે. વરાછા, સુરત) (૨) સુભઢીદેવી ચમનાજી પુરોહિત (ઉ.વ.૭૧, રહે. વરાછા, સુરત) (૩)દિનેશ પ્રભારામ પુરોહિત (ઉ.વ.૪૧, રહે. વરાછા, સુરત)