Western Times News

Gujarati News

નડિયાદમાં વડોદરા જેવી ઘટના : હિટ એન્ડ રનમાં યુવકનું કરુણ મોત

નડિયાદમાં વડોદરા જેવી ઘટના

વીકેવી રોડ પર કાળા કાચવાળી ફોર્ચ્યુનર કારે અકસ્માત સર્જ્યાે, ચાલક અને યુવતી ફરાર

નડિયાદ,
વડોદરાના રક્ષિત કાંડની જેમ જ નડિયાદમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં યુવરાજ દિલીપ રાજપૂત નામના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટના નડિયાદના વીકેવી રોડ પર બની હતી, જ્યાં એક કાળા કાચવાળી ફોર્ચ્યુનર કારે યુવકને ટક્કર મારી હતી અને ત્યારબાદ ચાલક અને તેમાં સવાર એક યુવતી ફરાર થઈ ગયા હતા.મૃતક યુવરાજ દિલીપ રાજપૂત માઈ મંદિર પાસે આવેલી ગિરિવર રેસીડેન્સીમાં રહેતો હતો અને તેના છ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. યુવકના અકાળે થયેલા મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.ઘટનાની જાણ થતાં જ નડિયાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસે ફરાર કાર ચાલક અને યુવતીને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું માનવામાં આવી રહ્યું છે.નડિયાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે, જેને કારણે એક યુવાન જીવ અકાળે હોમાયો છે. પોલીસ હાલમાં ફોર્ચ્યુનર કારના માલિક અને તેમાં સવાર લોકોની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવી આશા છે. આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર ટ્રાફિક નિયમોના પાલન અને વાહનોની ગતિ પર નિયંત્રણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેમાં ૧.૬૨ લાખથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી અને તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં ૫.૧૦% નો વધારો દર્શાવતો હતો, જ્યારે ૨૦૨૩ માં રાજ્યમાં ૧.૫૫ લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં ઘાયલ થયા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.