Western Times News

Gujarati News

નડિયાદ નગરપાલિકાની ગંભીર બેજવાબદારીના લીધે વૃદ્ધાનું મોત

પ્રતિકાત્મક

ગાજીપુર વિસ્તારમાં પાણીમાં ડૂબી જતા વૃદ્ધાનું મોત -અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી અને કહેવામાં આવ્યું કે, દોઢ મહિનામાં પાણી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે

ખેડા, નડિયાદમાં એક વૃદ્ધાને પાણીમાં મોત મળ્યુ. ન્યુ ગાજીપુર વિસ્તારમા ઘર પાણીમાં ગરકાવ થવાથી જાેહરાબીબી હુસેન મિયા મલેક નામની ૭૦ વર્ષીય વૃદ્ધા ઊંઘમાં જ પાણીમાં ડુબી ગયા હતા. વૃદ્ધા ઘરમાં એકલવાયુ જીવન વિતાવતા હતા. તેમજ તેમને આંખે જાેવામા પણ તકલીફ હતી.

નડિયાદના વોર્ડ નંબર ૬ ન્યુ ગાજીપુર વિસ્તાર મૂળેશ્વર તલાવડીને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારની આસપાસ ૧૪૦ થી વધુ ઘરો આવેલા છે અને તેમાં અંદાજે ૪૦૦ થી ૫૦૦ લોકો રહે છે.

આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની સીઝનમાં મુળેશ્વર તળાવમાં નડિયાદના તમામ વિસ્તારોનું વરસાદી તેમજ ગટરનુ ગંદુ પાણી છોડવામાં આવે છે. જેથી તળાવ ઓવરફ્લો થાય છે અને તેના કારણે તે પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. આ સમસ્યાનો છેલ્લા ૩૫ વર્ષથી લોકો સામનો કરી રહ્યા છે અને આ અંગે અનેકવાર નગરપાલિકા તંત્રને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો કરી છે.

તેમ છતાં આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી. આજે આ વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થતા તળાવનુ પાણી એકલવાયુ જીવન ગુજારતા વૃદ્ધાના ઘરમાં ઘુસી ગયું હતું. બંને આંખે ખૂબ જ ઓછી દ્રષ્ટિ ધરાવનાર અને અશકત વૃદ્ધાનું ઘર પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે.

વૃદ્ધાના મોત બાદ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. જેમાં નગરપાલિકાના ચીફ એન્જિનિયર ચંદ્રેશ ગાંધી નગરપાલિકા ચીફ ઓફિસર રૂદ્રેશ રુદડ સ્થાનિક પોલીસ સ્થાનિક કાઉન્સિલર તેમજ મામલતદાર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી અને કહેવામાં આવ્યું કે, દોઢ મહિનામાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે અત્યાર સુધી તંત્ર દ્વારા શા માટે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. તો સ્થાનિકોએ પણ ખૂબ જ હૈયાવરાળ ઠાલવીને કહ્યું કે અનેકવાર આ રીતે અધિકારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી છે. છતાં પણ હજુ સુધી સમસ્યા ઠેર ની ઠેર છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી તેમની માંગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.