નડિયાદ મનપા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોની સુવિધા પૂરી પાડવા કોંગ્રેસની માંગ

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે મહા નગરપાલિકાના વહીવટદાર એવા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે અને મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ગામડાઓમાં સ્ટ્રીટ લાઈટ નો અભાવ હોય વહેલી તકે સુવિધા પૂરી પાડવા માંગ કરી છે
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટે કરેલી આ રજૂઆતમાં જણાવ્યું છે કે નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને તેમાં નડિયાદ શહેરની નજીક નજીકના યોગીનગર – પીપલગ ડુમરાલ – ફતેપુરા – કમળા બિલોદરા – ઉત્તરસંડા – મંજીપુરા – ડભાણ અને ટુંડેલ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત તમામ દસ ગામોમાં સ્ટ્રીટ લાઈટના અભાવે લોકોને રાત્રિના અંધકારમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના નિવારણ માટે ઉપરોક્ત તમામ દસ ગામો શહેરની જેમ દુધિયા લાઇટથી ઝળહળી ઉઠે તે માટે શહેરની તર્જ પર શેરીએ શેરીએ અને ચાર રસ્તા પર તથા તમામ જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં અગ્રતાના ધોરણે વીજ પોલ ઉભા કરી સોલાર સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પડવાની જરુર છે.
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાણાકીય વર્ષ ઃ ૨૦૨૫-૨૬ના બજેટમાં સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા ચાર કરોડની જોગવાઈ કરી છે ત્યારે નડિયાદ શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપને વિનંતી કરુ છું કે સ્ટ્રીટ લાઈની સુવિધાથી વંચિત ઉપરોક્ત તમામ દસ ગામોમાં સોલાર સ્ટ્રીટ લાઈટની સુવિધા પૂરી પાડવા સત્વરે એજન્સીની નિમણુક કરવા
અને એજન્સીને સ્થળ પસંદ કરવાની સત્તા સોંપવા અને સોલાર સ્ટ્રીટ લાઇટ માટે સ્થળ પસંદ કરવામાં એકપણ શેરી – મહોલ્લો કે રહેણાંક વિસ્તાર સોલાર સ્ટ્રીટ લાઇટની સુવિધાથી વંચિત રહી ના જાય તે માટે જે એજન્સીને સોલાર સ્ટ્રીટ લાઇટના સર્વેક્ષણની જવાબદારી સોંપવામાં આવે તેએજસીને ગામના જે તે વિસ્તારના આગેવાન – કાર્યકરને સાથે રાખવા જણાવવામાં આવે.
એટલું જ નહી જે જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નાંખવાનું સ્થળ પસંદ કરવામાં આવે તેની વિગતવાર યાદી ગ્રામજનોની જાણકારી માટે જુની ગ્રામ પંચાયત કચેરી કે જ્યાં હાલ કામચલાઉ ધોરણે સીટી સિવિક સેન્ટર જેવા સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે ત્યાં લોકો સહેલાઈથી જોઈ શકે તે રીતે નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવા જરૂરી દિશા – નિર્દેશ આપવા માગ કરી છે.