ચકલાસી પોલીસ ટીમને હરાવી નડિયાદ ટાઉન પોલીસ ટીમ ચેમ્પિયન બની
નડિયાદ, ખેડા જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા નાઓએ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ એસ.પી.કપ ૨૦૨૨ નું આયોજન કરેલ. જેમાં જીલ્લાના દરેક પોલીસ સ્ટેશન, શાખા તેમજ ના.પો.અધિક્ષક નડિયાદ ડિવિઝન તથા મુખ્ય મથક મળી કુલ ૨૩ ટીમોએ ભાગ લીધેલ જે ટુર્નામેન્ટ તા.૨૪/૧૨/૨૦૨૨ થી તા.૨૯/૧૨/૨૦૨૨ દરમ્યાન ઉત્તરસંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ.
જેમાં પ્રથમ સેમીફાઇનલમાં નડિયાદ ટાઉન તથા વસો વચ્ચે રમાયેલ જેમાં નડિયાદ ટાઉન વિજેતા થયેલ. તથા બીજી સેમીફાઇનલ ખેડા હેડકવાર્ટર તથા ચકલાસી વચ્ચે રમાયેલ જેમાં ચકલાસી વિજેતા બનતા નડિયાદ ટાઉન તથા ચકલાસીની ટીમે ફાઇનલમાં પ્રવેશેલ તથા હેડ કવાર્ટર તથા વસો વચ્ચે સેકન્ડ રનર્સ અપ મેચ રમાયેલ જેમાં ખેડા હેડકવાર્ટર વિજેતા થયેલ અને ફાઇનલ મેચ નડિયાદ ટાઉન તથા ચકલાસીની ટીમ વચ્ચે રમાયેલ જેમાં નડિયાદ ટાઉન ટોસ જીતી પ્રથમ બોલીંગ કરતા ચકલાસી ટીમે ૧૪ ઓવરમાં ૭૧ રન કરી નડિયાદ ટાઉન પોલીસ ટીમને ૭૨ રનનો ટાર્ગેટ આપેલ જે ટાર્ગેટ નડિયાદ ટાઉન પોલીસ ટીમે ૯.૩ ઓવરમાં ૭૪ રન કરી વિજય પ્રાપ્ત કરેલ અને ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ એસ.પી.કપ ૨૦૨૨ ની ચેમ્પિયન બનેલ છે.