Western Times News

Gujarati News

નડિયાદના મોકમપુરા ગામ ખાતે મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાઈ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ૨૪ કલાક ખડે પગે કામગીરી કરીને લોકોને પાયાની જરૂરિયાતો અને સવલતો પુરી પાડી રહ્યુ છે.

જેમાં, નડિયાદ તાલુકાનાં મોકમપુરા ગામ ખાતે એક ગર્ભવતી મહિલાને એસ.ડી.આર.એફની ટીમ અને જિલ્લા આરોગ્ય તંત્રની સંકલિત કામગીરીથી સફળતાપુર્વક પ્રસૂતિ કરાવવામાં આવી છે. અને હાલ બાળક અને માતા બન્ને નડિયાદ સિવિલ હોસ્પીટલ ખાતે સુરક્ષિત છે.

નડિયાદના મોકમપુરા ગામના હિનાબેન વિશાલભાઈ રાવળને ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે પ્રસૂતિનો દુખાવો થતો હોવાથી તેમના પતિએ આરોગ્ય કર્મચારીને ટેલિફોનિક જાણ કરી હતી. જે માટે આરોગ્ય અને આશા કર્મચારીઓ દ્વારા તેમને ગામ બહાર લાવવા પ્રયાસો કરેલ પણ ગામમાં પાણી ભરાયેલ હોવાથી હિનાબેનને બહાર લાવી શકાયા ન હતા.

ત્યારબાદ એસ.ડી.આર.એફ (સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ)ની ટીમ અને પીએચસી અરેરા, પોલીસ સહિત જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ ૧૦૮ એમ્બુલન્સની ટીમ લઈ હોડીના માધ્યમથી મોકમપુરા ખાતે પહોંચ્યા હતા અને હિનાબેનને સફળતાપુર્વક પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ હિનાબેન રાવળને ૧૦૮ એમ્બુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્યારે હિનાબેન અને તેમનું બાળક બન્ને સ્વસ્થ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.