નગરપાલિકાના અધિકારીઓ અને લોક પ્રતિનિધિઓ ભ્રષ્ટાચારનો હેતુ સિધ્ધ કરવા સ્વચ્છતાના સાધનોની ખરીદીમાં જેટલો રસ દાખવે છે
નડિયાદ શહેર કોંગ્રેસે પાલિકામાં ભ્રષ્ટાચારની તપાસ કરવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી
(પ્રતિનિધિ) નડિયાદ, શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ નડીઆદ નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષઃ ૨૦૨૦-૨૧, ૨૧-૨૨ અને ૨૨-૨૩માં હાથ ધરવામાં આવેલ કામોમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચારની તકેદારી આયોગ મારફત તપાસ કરાવવા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
નડીઆદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ એ આ કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે રાજ્ય સરકાર શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ નડીઆદ નગરપાલિકાને શહેરીજનોની પાયાની મૂળભૂત સુવિધાઓ જેવી કે ભૂગર્ભ ગટર યોજના તેમજ પીવાના શુદ્ધ પાણીના વિતરણ માટેની પૂરતી વ્યવસ્થા વિકસાવવા તથા સડક યોજના હેઠળ રોડ – રસ્તાના કામો માટે, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા, ફલાય ઓવર બનાવવા, શહેરીકરણના કારણે નડીઆદ શહેરની નજીકમાં આવેલ ગામો
તથા આઉટગ્રોથ વિસ્તારોનો પણ નડીઆદ શહેરમાં સમાવેશ થઇ જાય તેવી સ્થિતિ ઉભી થયેલ છે તેવા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા તેમજ સ્માર્ટ ટાઉન મિશન હેઠળ વિકાસના કામો માટે, તળાવો અને કાંસમાંથી કચરો કાઢવાના સાધનો ખરીદવા, સીસીટીવી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સ્વચ્છ ભારત મિશન હેઠળ નડીઆદ શહેરને સ્વચ્છ બનાવી આરોગ્યપ્રદ વાતાવરણ ઉભુ કરવા,
પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા તથા આવાસ યોજના અને ફાયર સ્ટેશનોમાં આધુનિક સાધનો વસાવવા વગેરે…વગેરે… યોજનાઓ હેઠળ દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે છતાં નડીઆદ શહેરના અમુક વિસ્તારને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને એસ.સી . અને ઓ.બી.સી. તથા માઇનોરીટી જેવા ગરીબ અને પછાત વર્ગના લોકો વસવાટ કરે છે
તેવા વિસ્તારોમાં હજુ આજેય પણ પાયાની મૂળભૂત સુવિધાઓનો અભાવ વર્તાય છે, સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતાને લગતા જે કામો થવા જાેઇએ તે થતાં ના હોઇ ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા જાેવા મળે છે, વરસાદી પાણીના નિકાલ માટેના કાંસની સમયાંતરે યોગ્ય અને પૂરતી સાફ – સફાઇ થવી જાેઇએ તે થતી ના હોઇ વરસાદી પાણીનો જેટલી ઝડપથી નિકાલ થવો જાેઇએ
તેટલી ઝડપથી નિકાલ થતો ના હોઇ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાથી લોકોને પારાવાર હાલાકીઓ ભોગવવી પડેછે તેમજ નડીઆદ શહેરમાં સંખ્યાબંધ તળાવો અને કાંસ પૈકી એકપણ તળાવ કે કાંસમાં ગેરકાયદેસર સ્યૂએજ ડ્રેનેજ જાેડાણ ના હોય તે સુનિશ્ચિત કરવા નગરપાલિકા દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવતુ ના હોઇ
નડીઆદ શહેરના તમામ તળાવો અને કાંસમાં પારાવાર વનસ્પતિ અને ગંદકીનાં થર જાેવા મળે છે ત્યારે શહેરીજનોના મનમાં સ્વાભાવિકપણે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નડીઆદ નગરપાલિકાને દર વર્ષે સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી આપે છે તેનો નગરપાલિકાના અધિકારીઓ અને લોક પ્રતિનિધિઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો હેતુ સિધ્ધ કરવા સ્વચ્છતાના સાધનોની ખરીદીમાં જેટલો રસ દાખવે છે
એટલો રસ નડીઆદ શહેરને કચરા મુક્ત બનાવવામાં દાખવતા નથી. તેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ નડીઆદ નગરપાલિકાને નાણાકીય વર્ષઃ ૨૦૨૦-૨૧, ૨૧-૨૨ અને ૨૨-૨૩માં વર્ષવાર કેટલી રકમની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી અને નગરપાલિકાએ વર્ષવાર એ ગ્રાન્ટ સ્વચ્છતાના કયા કયા કામો પાછળ વાપરી તેની વિજિલન્સ કમિશન મારફત તપાસ કરાવવામાં આવે તો બહુ મોટી રકમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી શકે તેમ છે.