નાહીયેર મતદાન મથકે જંબુસરના ભાજપના ઉમેદવાર સંતોને સાથે લઈ મતદાન કર્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.ત્યારે સવારથી ભરૂચ જીલ્લાની પાંચેય વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા શરૂ થતાં મતદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાતના બીજા યોગીની ઉપનામ પામેલા ભરૂચ જીલ્લાની જંબુસર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીએ નાહીયેર ખાતે સંતોની ફોજ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.
ભાજપે ભરૂચ જિલ્લાની આમોદ-જંબુસર વિધાસભા બેઠક ઉપર સ્વામી નારાયણ સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામીને આ વખત ટિકિટ આપતા જ તેઓ ગુજરાતના યોગી તરીકે ચર્ચામાં આવ્યા હતા.તેઓ એમ પણ યોગી અને મોદીને પોતાના આદર્શ ગણતા હોય આજે પ્રથમ તબક્કામાં મતદાનમાં ડી.કે.સ્વામીએ જંબુસર વિધાનસભાની બેઠકમાં નાહીયેર પોલિંગ બુથ ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા.
સંત ડી.કે.સ્વામીની સાથે નહિયેર ગુરુકુળના અન્ય સાધુ સંતોની ફોજ પણ મતદાન મથકે પહોંચી જતા મતદાન મથકમાં ભગવાની કતાર જાેવા મળી હતી.પોતાને પોતાનો મત આપ્યા બાદ ડી.કે.સ્વામીએ તેમની વિધાસભાના દરેક મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરતા કહ્યું હતું કે, આજરોજ નાહિયેર મુકામે મેં પણ મતદાન કર્યું છે અને જંબુસર વિધાનસભાના તમામ મતદારોને હું આગ્રહ ભરી વિનંતી કરૂં છું કે,ભવ્યથી ભવ્ય મતદાન કરી આ પર્વને ઉત્સવ રૂપમાં મનાવી જંબુસરનું નામ રોશન કરશો.