‘રામસર સાઈટ’નો દરજ્જો ધરાવતું નળ સરોવર અમદાવાદનું એકમાત્ર વેટલેન્ડ
૨ ફેબ્રુઆરી – વર્લ્ડ વેટલેન્ડ ડે (વિશ્વ જળ પ્લાવિત દિવસ) અમદાવાદ જિલ્લો
જળ પ્લાવિત વિસ્તારો જળસ્તરની જાળવણી, જળચક્ર અને કાર્બનચક્રના સમતોલનની જાળવણી, પોષકતત્વો અને તાપમાનની જાળવણીમાં મહત્વના
સમગ્ર વિશ્વ ૨ ફેબ્રુઆરીને વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ જળ પ્લાવિત દિવસ તરીકે ઉજવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરમાં આવેલા જળ પ્લાવિત વિસ્તારોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને વેટ લેન્ડ સહિત તેના પર્યાવરણની જાળવણી અંગેની પ્રવૃત્તિઓને વેગ આપવાનો હોય છે. Nal Sarovar Ahmedabad’s only wetland with the status of ‘Ramsar Site’
વેટલેન્ડ અથવા જળ પ્લાવિત વિસ્તાર એટલે શું ?
સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષનાં અમુક ચોક્કસ સમયગાળા દરમ્યાન કે બારેમાસ પાણીથી પ્લાવિત રહેતો એવો વિસ્તાર કે જેનું પોતાનું આગવું પરિસરતંત્ર(ઈકોલોજી) વિકાસ પામ્યું હોય તેને વેટલેન્ડ (જલપ્લાવિત વિસ્તાર) કહે છે. ૨ ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત સહિત દુનિયાભરમાં ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવવામાં આવશે.
કેવી રીતે વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવાની શરૂઆત થઈ ?
વેટલેન્ડને સંરક્ષિત બનાવી રાખવાનાં ઉદ્દેશ્યથી ૨ ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ ઇરાનના રામસર શહેરમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી તેની યાદમાં દર વર્ષે આ દિવસને ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મહત્વનાં વેટલેન્ડનાં સંરક્ષણ અને વિકાસ માટે તેને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવે છે.
વેટલેન્ડનાં સંરક્ષણની જરૂરિયાત
આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણીનો એક મોટો પડકાર ઉભો થયો છે. બદલાતા પરિમાણો અને તેને પગલે સર્જાતા પરિણામોથી આજે વેટલેન્ડનાં અસ્તિત્વ સામે અનેક પડકારો ઉભા થયા છે. તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
સામાન્ય રીતે પર્યાવરણપ્રેમીઓ વેટલેન્ડ અંગેની માહિતી ધરાવતા હોય છે, પણ આજે જ્યારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે સામાન્ય માણસ પણ પોતાની આસપાસનાં પર્યાવરણ, સજીવસૃષ્ટિ અને પાણીનાં સ્ત્રોતો જેવા વિષયમાં રસ લેતા થાય તો પૃથ્વી પર પર્યાવરણના જતનની આપણી જવાબદારી નિભાવવા સાથે આપણે આવનારી પેઢીઓને પણ સ્વચ્છ પર્યાવરણ ધરાવતા સુંદર વિશ્વની ભેટ આપણે આપી શકીએ.
આ ઉદ્દેશ્યને સાર્થક કરવાના હેતુસર સમગ્ર વિશ્વમાં ૨જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે.
અમદાવાદના જળ પ્લાવિત વિસ્તારો
ગુજરાત એક અપાર પ્રાકૃતિક વૈવિધ્ય ધરાવતું રાજ્ય છે. રણ, પર્વત, જંગલ, દરિયો એમ બધું જ ગુજરાત પાસે છે.
ગુજરાત પાસે ૧૬૦૦ કિમીથી વધુનો વિશાળ દરિયાકાંઠો છે.
ગુજરાતના ‘પક્ષી તીર્થ’ તરીકે ઓળખાતું અમદાવાદનું નળસરોવર દેશ વિદેશના સહેલાણીઓમાં જાણીતું છે.
અમદાવાદથી આશરે ૬૫ કિમીના અંતરે આવેલુ નળ સરોવર દેશનું સૌથી મોટું જળપક્ષી અભ્યારણ અને છીછરા પાણીનાં સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. નળ સરોવર એ
અંદાજે ૧૨૦ ચો કિ.મિ જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલો મોટો જળ ભંડાર છે. આ સરોવરની લંબાઈ ૩૨ કિમી તથા પહોળાઈ ૬.૪ કિમી છે.
શિયાળાની શરુઆત સાથે જ વિદેશી પક્ષીઓનું નળસરોવરમાં આગમન શરુ થઈ જાય છે. અમદાવાદ જિલ્લાના નળસરોવર અને અમદાવાદ પાસે આવેલ થોળ તળાવ(મહેસાણા જિલ્લો) ખાતે અનુક્રમે પક્ષીઓની ૨૨૬થી વધુ પ્રજાતિઓ અને માછલીઓની ૧૯ પ્રજાતિઓનો વસવાટ જોવા મળે છે. નળસરોવરને ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. વળી મોટી સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓને કારણે આ વેટલેન્ડ પક્ષીપ્રેમીઓનાં સ્વર્ગ સમાન બની ગયું છે.
વેટલેન્ડ કે જળ પ્લાવિત વિસ્તારોના ફાયદા
વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ માટે આદર્શ આશ્રયસ્થાન
વેટલેન્ડ વિવિધ પ્રકારનાં જીવો માટે એક આદર્શ રહેઠાણ છે. વેટલેન્ડ સૂક્ષ્મ જીવોથી લઈને દરિયાઈ વનસ્પતિઓ, ઉભયજીવીઓ, રેપ્ટાઈલ્સ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓને જરૂરી પર્યાવરણ પૂરુ પાડે છે. જળ પ્લાવિત વિસ્તારો મરીન આહાર શૃંખલાની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે.
તાપમાન જાળવી રાખવામાં મહત્વના-ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન જ્યારે દુનિયાને પોતાનાં ભરડામાં લઈ રહ્યો છે ત્યારે જળ પ્લાવિત સરેરાશ તાપમાનમાં ઘટાડો કરીને તાપમાનની જાળવણી માટે મહત્વના સાબિત થાય છે.
જળસ્તરની જાળવણી માટે ઉપયોગી-વેટલેન્ડનું સંરક્ષણ ભૂગર્ભ જળનું પ્રમાણ ઉંચુ લાવે છે. જેનાથી પાણીના પ્રશ્નોના નિરાકરણમાં મોટી મદદ મેળવી શકાય છે.
પોષકતત્વોની જાળવણીમાં મહત્વના -વેટલેન્ડ પાણીની ગુણવત્તા સુધારવામાં ઘણા મદદરૂપ થાય છે. નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વોની રિસાયકલિંગ પ્રક્રિયામાં પણ તેઓ અગત્યની ભુમિકા ભજવે છે. વેટલેન્ડમાં ઉગેલી વનસ્પતિઓ દ્વારા આવા પોષકતત્વોને શોષી લેવામાં આવે છે અને જ્યારે તેમનાં પર્ણ ખરી પડે કે તેમનો નાશ થાય ત્યારે આ પોષકતત્વો અન્ય સ્વરૂપે ફરી વાતાવરણમાં પ્રવેશે છે.
જળચક્ર અને કાર્બનચક્રનું સમતોલન જાળવી રાખે છે
વેટલેન્ડ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઈડ શોષી લઈને તેનું જૈવિક તત્વોમાં રૂપાંતરણ કરી દે છે. માણસ દ્વારા પેદા કરવામાં આવતા ગ્રીનહાઉસ ગેસની નકારાત્મક અસરો દુર કરવામાં પણ વેટલેન્ડનો અગત્યનો ફાળો છે.