એક વૃક્ષ પ્રકૃતિને નામ… નળસરોવર વિસ્તારમાં આકાર પામી રહ્યું છે…‘વૃક્ષમંદિર’
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/08/vrukshmandir.jpg)
સાણંદ સ્થિત “માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક નવતર પ્રયોગ રૂપે ‘વૃક્ષમંદિર’ બનાવાયું છે.
“અરે રે કેટલી ગરમી છે“…“આજે તો ૪૬ ડીગ્રી ગરમી છે…” “તોબા આ ગરમી થી“ “હવે નથી રહેવાતું આ ગરમીમાં…” બસ આવો ઉદગાર કાઢીને દરેક માણસ ક્યાંતો એરકન્ડિશન રૂમમાં બેસી જાય છે અથવા તો પોતાના કામે વળગી જાય છે.. પણ ગરમી ઘટેએવું એક પણ પગલુ કોઈ સ્વયંભુ લેતુ નથી…
સાણંદ સ્થિત “માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક નવતર પ્રયોગ રૂપે ‘વૃક્ષમંદિર’ બનાવાયું છે. સામાન્ય રીતે આપણે ભગવાનના મંદિર જોઈએ છીએ પરંતુ, અમદાવાદ નજીક નળસરોવર વિસ્તારમાં ‘વૃક્ષમંદિર’ આકાર પામી રહ્યું છે.
માનવ સેવા ટ્રસ્ટ, આમ તો પર્યાવરણના જતન માટે કાર્યક્રમો કરે છે નળકાંઠા વિસ્તારમાં વૃક્ષારોપણ પણ કરે છે. તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા “વસુંધરા વૃક્ષારોપણ” કાર્યક્રમ યોજાયો હતો.. આ કાર્યક્રમ અંતર્ગત સાણંદ અને આસપાસના વિસ્તારોમાં ૬૭,૦૦૦ (સડસઠ હજાર) છોડ વાવવામાં આવ્યા હતા. સાથે સાથે સાણંદ તાલુકાની આંગણવાડીમાં વાવવા દાડમ તથા સરગવાના છોડનું વિતરણ પણ કરાયું હતું. જેનું જતન આંગણવાડી દ્વારા કરાઈ રહ્યું છે.
માનવ સેવા ટ્રસ્ટ, સાણંદના ટૃસ્ટી શ્રી મનુભાઈ બારોટ કહે છે કે, “આપણે આ ધરતી-કુદરત પાસેથી ઘણું લીધુ છે, હવે સમય છે પાછુ આપવાનો… આપણે કૂદરત પાસેથી પાણી સહિત અપાર કૂદરતી સંશાધનો મેળવ્યા છે..જો આપણે ધરતીને પાછુ નહિ આપીએ તો આપણો વિનાશ નક્કી છે….હું તો વૃક્ષ મોટા કરીને છૂટો..મને કદાચ તાત્કાલિક અને પ્રત્યક્ષ ફાયદો નહિ થાય પણ તેનો લાભ આગામી પેઢીને મળશે…
અને એટલે જ આ ‘વૃક્ષમંદિર’નો વિચાર આવ્યો અને તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે. સામાન્ય રીતે લોકોને ભગવાન અને મંદિરોમાં વિશેષ આસ્થા હોય છે, અને આસ્થા જોડાયેલી વાતને લોકો શ્રધ્ધા સાથે આવકારે છે. એટલે જ ‘વૃક્ષ મંદિર’નો વિચાર અમલમાં મુક્યો છે, અને તેની પાછળનો આશય પણ એ જ છે કે લોકો વૃક્ષો વાવવામાં અને તેના ઉછેર માટે આસ્થા પૂર્વક જોડાય”, એમ તેમણે ઉમેર્યું હતું.
મનુભાઈએ સાણંદ આસપાસના વિસ્તારમાં ૬૭,૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા છે. શાળાના કમ્પાઉન્ડમાં, તળાવની પાળે, ગામના ગોચરમાં… જ્યાં જ્યાં જગ્યા જોઈ, જગ્યા મળી ત્યાં ત્યાં મનુભાઈએ વૃક્ષો વાવ્યા છે,,, એટલું જ નહી પરંતુ ઉછેર્યા છે… તેનું વ્હાલથી જતન પણ કર્યું છે. અને હા આ પ્રવૃત્તિ હજી ચાલુ જ છે.
સાણંદમાં દેશની વિખ્યાત ટાટા મોટર્સ કંપની પોતાનો પ્લાન્ટ ધરાવે છે. કંપનીએ તેની સામાજિક રિસ્પોન્સિબિલિટી (સી. એસ. આર) ને અદા કરવા મનુભાઈનો સાથ લીધો છે. ટાટા મોટર્સ એક વૃક્ષ વાવવા માટે મનુભાઈને ચોક્કસ રકમની સહાય આપે છે. આજ રીતે બોસ ઈન્ડિયા ફાઉન્ડેશન પણ ટ્રસ્ટના વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સહયોગ આપે છે. તાજેતરમાં વૃક્ષો વાવવા માટે મળેલી સહાયમાંથી મનુભાઈએ વૃક્ષો તો વાવ્યા જ છે પણ સાથે સાથે તેમણે ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ પણ નાંખી છે.
એટલું જ નહી પરંતુ છોડનું જતન અને વ્યવસ્થિત ઉછેર થાય તે માટે મનુભાઈએ માસિક પગારથી એક માળી પણ રાખ્યો છે. “વસુંધરા વૃક્ષારોપણ” કરીને મનુભાઈએ અત્યાર સુધીમાં કુલ ૬૭,૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા છે. સલામ છે આ પર્યાવરણ સંવર્ધક સંસ્થાને…