ભારતીય લોકોએ જાપાનનું વર્ક કલ્ચર અપનાવાની જરૂર: સહકાર રાજ્યમંત્રી
અમદાવાદના AMA ખાતે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘જાપાનીઝ વર્ક કલ્ચર: સુઝુકીના માર્ગે‘ વિષય ઉપર પરિસંવાદ યોજાયો
જાપાનના શિઝુઓકા અને હમામાત્સુ શહેરથી પધારેલ ડેલિગેશન દ્વારા શિઝુઓકા અને હમામાત્સુ શહેર વિષે પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી
અમદાવાદમાં એ.એમ.એ. ખાતે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘જાપાનીઝ વર્ક કલ્ચર: સુઝુકીના માર્ગે’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો.
જાપાનના શિઝુઓકા અને હમામાત્સુ શહેરથી આવેલા ડેલિગેશનની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ પરિસંવાદમાં રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી જ ગુજરાત રાજ્યમાં વિકાસની અનેક તકો અને તે મુજબના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. રિફોર્મ, પરફોર્મ, ઇન્ફોર્મ અને ટ્રાન્સફોર્મની નીતિનો ઉપયોગ કરીને ભારત દેશ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને સાથે જ ભારતની જીડીપીમાં ઉત્તરોત્તર સુધારો થયો છે.
ભારત અને જાપાનના વર્ક કલ્ચર અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના વર્ક કલ્ચરમાં જાપાનની કાયઝન નીતિ અપનાવાની જરૂર છે. ભારતમાં વિવિધતામાં એકતા છે ત્યારે, એક ભારત શ્રેષ્ઠ ભારત અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભારતે જાપાનના વર્ક કલ્ચરને પોતાના વર્ક કલ્ચરમાં ઉતારવું જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ રોકાણ કરવાની ઘણી સારી તક છે. ગુજરાત એક સુરક્ષિત રાજ્ય છે. ગુજરાત એક ‘પોલીસી ડ્રીવન સ્ટેટ’ છે. ગુજરાત રાજ્ય ગુડ ગવર્નન્સ અને ઝડપી નિર્ણય જેવી નીતિઓમાં માને છે. હાલમાં ગુજરાતમાં ચાલી રહેલ સી.એમ. ડેશબોર્ડ અને પી.એમ. ગતિશક્તિ જેવી વ્યવસ્થા અપનાવતું ગુજરાત એક આગવું રાજ્ય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત, જાપાનના શિઝુઓકા અને હમામાત્સુ શહેરથી પધારેલ ડેલિગેશનના પ્રતિનિધિઓ દ્વારા શિઝુઓકા અને હમામાત્સુ શહેર વિષે પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અમિત ઠાકર, મારુતિ સુઝુકી કંપનીના પ્રતિનિધિઓ તથા અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.