નાંદોદના ધારાસભ્યએ રાજપીપલામાં નવી બ્લડ સેન્ટર સુવિધાનું ઉદ્ઘાટન કર્યું

જનરલ હોસ્પિટલ- મેડિકલ કોલેજના બ્લડ સેન્ટર દ્વારા રક્તની અછત દૂર કરવામાં મદદ મળશે
(માહિતી)રાજપીપલા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે તા. ૦૮ મે, ૨૦૨૫ ના રોજ રાજપીપલાની જનરલ હોસ્પિટલ તથા જી.એમ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે નવી બ્લડ સેન્ટર સુવિધાનું ઉદઘાટન કરતા જણાવ્યું કે, નર્મદા જિલ્લાના નાગરિકો માટે બ્લડ સેન્ટરની આ નવી સુવિધા એક મહત્વપૂર્ણ ભેટ સ્વરૂપ છે. અગાઉ નગરજનોને રક્તની અછતના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા પડતો હતો, પણ હવે સ્થિતિમાં સુધારો થયો છે.
રાજપીપલા જનરલ હોસ્પિટલમાં પહેલા માત્ર ૮૦ બેડ હતા, હોસ્પિટલમાં આજે ૩૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સાથે જ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના આરોગ્ય સ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે. એની સાથે જ બ્લડ સેન્ટરની સુવિધા જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ડો. દર્શનાબેન દેશમુખે ઉમેર્યું કે, બ્લડ સેન્ટર ઉભું કરવું એક મોટી સફળતા છે,
પરંતુ બ્લડ ડોનેશન માટે લોકજાગૃતિ ઊભી કરવી એ પણ એટલી જ જરૂરી બાબત છે. જિલ્લાના જિનેટિક સિકલસેલ જેવા દર્દીઓને આ સુવિધા ખૂબ જ લાભદાયી સાબિત થશે. ઉદ્ઘાટન સમયે ડો. દર્શનાબેને બ્લડ સેન્ટરની વિવિધ રૂમો, જેમ કે ડોનર રૂમ, કાઉન્સેલિંગ રૂમ, રિફ્રેશમેન્ટ રૂમ તથા પરીક્ષણ રૂમની મુલાકાત લઈને તબીબોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે, જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ડીન ડો. અવનીશ દવેએ જણાવ્યું કે, રાજપીપલામાં મેડિકલ ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે અને નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યસેવાઓ મળી રહે તે માટે પેશન્ટ કેર વધારવા માટે અમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. ઉદ્ઘાટનના અવસરે તબીબી અને મેડિકલ સ્ટાફ દ્વારા રક્તદાન કરી બ્લડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.
બ્લડ સેન્ટરના ઉદ્ઘાટન બાદ તબીબો અને સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રાજપીપલાના કોર્પોરેટર શ્રી પાર્થ જોશી અને તેમની ધર્મપત્ની શ્રીમતી મનાલી જોશીએ પણ રક્તદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મનાલી જોશી પણ આ સંસ્થાનો એક ભાગ છે. આ પ્રસંગે મેડિકલ કોલેજના તબીબ અધિક્ષક ડો. મનીષ મહેતા, વાઈસ ડીન ડો. વિલાસ ખંડારે, સી.ડી.એમ.ઓ. ડો. હરેશ કોઠારી, પેથોલોજી વિભાગના વડા ડો. નયન કોટિયા સહિત બ્લડ સેન્ટરના તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.