નાપા ગામે બાબાસાહેબની પ્રતિમાનું ચણતર તોડી પડાતાં હોબાળો
આણંદ, આણંદના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે દલિત સમાજને ફાળવાયેલી જગ્યામાં બાબાસાહેબની પ્રતિમા મૂકવા માટે ચણતર કરવામાં આવી રહ્યું હતું. જેમાં રાત્રીના સમયે કોઈએ ચણતર તોડી પાડી પ્રતિમાને નીચે પાડી દીધી હતી. બનાવની જાણ થતાં સમગ્ર દલિત સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી
અને ગ્રામજનો સાથે દલિત અગ્રણીઓ પણ નાપા ગામે દોડી આવતા ભારે હોબાળો મચાવી દીધો હતો. બનાવની જાણ થતાં બોરસદ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મામલાને કાબૂમાં લેવા સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા.
નાપા તળપદ ગામે રોહિત વાસ પાસે આવેલી ખુલ્લી જગ્યા અગાઉ તેમને ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવી હતી પરંતુ થોડા સમય પહેલાં કામચલાઉ રીતે દૂધ મંડળી દ્વારા પશુઓની તપાસ માટે એક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું જેનો દલિત સમાજ કોઈ વાંધો લીધો ન હતો પરંતુ ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસથી આજ સ્થળે બાબાસાહેબની પ્રતિમા મૂકવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ચણતર કરી પ્રતિમા મૂકી પ્લાસ્ટર સહિતની કામગીરી જે ચાલુ હતી. દરમિયાન ગત રાત્રીના સમયે કોઈએ પ્રતિમાને નીચે ફેંકી દઈ ચણતરને તોડી પાડયું હતું. જેથી નાપાના દલિત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી અને વહેલી સવારથી જ આ સ્થળે ભારે હોબાળો મચાવી મૂકયો હતો. બનાવની જાણ થતાં દલિત સમાજના અગ્રણીઓ પણ દ્વારિકા આવ્યા હતા
જેમાં દિનેશભાઈ ખેરડા, ચંદ્રકાંતભાઈ વડદલા, વિનોદભાઈ ભલાડીયા, મુકેશભાઈ રાઠોડ, મહેશભાઈ વકીલ, ઈશ્વરભાઈ ગાના, લવજીભાઈ સોલંકી, નિવૃત્ત જજ એમ.બી.મકવાણા, ખુશાલભાઈ, કિરણભાઈ સહિતના લોકોએ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ગામના સરપંચ અને આગેવાનો દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ન બગડે
અને ગામમાં શાંતિ તેમજ ભાઈચારાનો વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી પ્રયાસ હાથ ધરીને પોલીસ તંત્રની મદદથી સમજાવટ કરી મામલો થાળી પાડયો હતો અને સરપંચ દ્વારા પણ આ પ્રતિમાના સ્થાપન માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.