Western Times News

Gujarati News

મકાન માલિકને ડ્રગ્સની લતને કારણે મકાન MD ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલી ગેંગને ભાડે આપ્યું હતું

નારણપુરાના ફલેટમાં આવેલા મકાનમાં SOGનું ઓપરેશન-25.68 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે ગેંગ ઝડપાઈ

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સ નામનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે યુવાપેઢી બરબાદીના રસ્તે જઈ રહી છે. અમદાવાદમાં એમડી સિવાય અન્ય ડ્રગ્સ લેવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે યુવાઓ નશેડીમાંથી પેડલર બની ગયા છે. ગુજરાતને ડ્રગ્સ માફિયાઓએ એપી સેન્ટર બનાવી દીધું છે ત્યારે ડ્રગ્સ નામના દૂષણને ડામવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઈમબ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

ડ્રગ્સ માફિયાઓએ બનાવેલી માયાજાળને પોલીસ એજન્સીઓ ક્રેક કરીને પેડલરથી લઈને માફિયા સુધી પહોંચી રહી છે. મોડી રાતે એસઓજીએ નારણપુરાના એક ફલેટમાં ડ્રગ્સની સિન્ડિકેટને રપ.૬૮ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી છે, આમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ડ્રગ્સ માફિયાઓની સંડોવણીની આશંકા છે. પોલીસે ડ્રગ્સ સિન્ડિકેટના છ સભ્યોની ધરપકડ કરી છે.

નશામાં ગુજરાત કે પછી ઉડતા ગુજરાત આ વાત કહેવી કંઈ ખોટી નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત ગુજરાતના ખૂણેખૂણે ડ્રગ્સનો કારોબાર એટલો બધો વધી ગયો છે, જેના કારણે યુવાપેઢી બરબાદ થઈ રહી છે. ગુજરાતના દરિયાઈ રસ્તાનો ઉપયોગ કરીને પાકિસ્તાનીઓ કરોડો રૂપિયાનાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે.

ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ડ્રગ્સ માફિયાઓએ પોતાનું નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘુસાડી દીધું છે કે જેનો હિસ્સો એજયુકેટેડ લોકો પણ બની ગયા છે. યુવકો અને યુવતિઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડૂબી ગયા છે કે હવે ડ્રગ્સ માફિયાઓને ફાવતું મળી ગયું છે. ડ્રગ્સ માફિયાને તો પોલીસ રોકી રહી છે, પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે.

એસઓજી ટીમને બાતમી મળી હતી કે ફતેહવાડી વિસ્તારમાં આવેલો મુસ્તિમ શેખ એમડી ડ્રગ્સનો ધંધો કરે રહ્યો છે, જેણે મધ્યપ્રદેશ ખાતે રહેતા મોહંમદ ખાન નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો છે, મોહંમદ ખાન, મુસ્તકિમ સહિતના લોકો નારણપુરા ખાતે આવેલી એલિફન્ટા સોસાયટીમાં એમડી ડ્રગ્સના જથ્થાની લેવડદેવડ કરવાના છે.

બાતમીના આધારે એસઓજી ટીમ એલિફન્ટા સોસાયટીમાં પહોંચી ગઈ હતી, જયાં જિજ્ઞેશ પંડયાના ઘરમાં રેડ કરી હતી. જિજ્ઞેશ પંડ્યાના ઘરમાં મોહંમદ ખાન, મુસ્તકિમ ઉર્ફે ભૂરો, ધ્રુવ પટેલ, મોહંમદ એજાજ શેખ, અબરારખાન પઠાણ હાજર હતા. એસઓજીએ તમામને કોર્ડન કરી લીધા હતા અને તેમની અંગજડતી શરૂ કરી હતી. તમામ પાસેથી એસઓજી ટીમને સફેદ પાઉડર મળી આવ્યો હતો.

એસઓજીને એક સ્કોર્પિયો કાર પણ મળી આવી હતી, જેની તપાસ કરતાં તેમાંથી પણ સફેદ પાઉડર મળી આવ્યો હતો. એસઓજીએ તરત જ એફએસએલની ટીમને જાણ કરી હતી. એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સફેદ પાઉડરનું પરીક્ષણ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. એસઓજી ટીમ જિજ્ઞેશ પંડ્યા,

મોહંમદ ખાન, મુસ્તકિમ, ધ્રુવ પટેલ, મોહંમદ એજાઝ, અબરારખાન પઠાણની ધરપકડ કરીને વડી કચેરીએ લાવી હતી. તમામની આગવી સ્ટાઈલથી પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનના ડ્રગ્સ માફિયા સમીર પાસેથી જથ્થો લાવ્યા હતા. એસઓજીએ તમામ પાસેથી રપ.૬૮ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ત્રણ લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર જપ્ત કરી છે.

ડ્રગ્સ વેચવા માટે મુસ્તકિમ અને મોહંમદ ખાને પોતાની સિન્ડિકેટ બનાવી હતી, જેમાં તેમણે કમિશન એજન્ટ તરીકે કેટલા લોકોની નિમણૂક કરી હતી. જિજ્ઞેશ પંડ્યા, ધ્રુવ પટેલ, મોહંમદ એજાઝ, અબરારખાન પઠાણ સિન્ડિકેટના મેમ્બર હતા. તમામને મુસ્તકિમ અને મોહંમદ ખાને કમિશન આપવાની વાત કરી હતી. ઉંચુ કમિશન મળતાં ચારેય યુવકો ડ્રગ્સ સિન્ડિકેટના મેમ્બર બની ગયા હતા. એસઓજીએ ફલેટમાં ઓપરેશન પાર પાડીને રપ.૬૮ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.