દેશના સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન” માટે નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને ડૉ. એમ. સ્વામીનાથનના નામની જાહેરાત
ઉદારીકરણના પ્રણેતા, ખેડૂત નેતા અને હરિતક્રાંતિના જનકની ભારતરત્ન માટે પસંદગી થતા રાજ્યના ખેડૂતો વતી ભારત સરકારનો આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ સન્માન “ભારતરત્ન” માટે પૂર્વ વડાપ્રધાન શ્રી નરસિમ્હા રાવ, શ્રી ચૌધરી ચરણસિંહ અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામીનાથનના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ઉદારીકરણના પ્રણેતા અને પૂર્વ વડાપ્રધાન શ્રી નરસિમ્હા રાવ, ખેડૂત નેતા અને પૂર્વ વડાપ્રધાન શ્રી ચૌધરી ચરણસિંહ અને હરિતક્રાંતિના જનક અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનની દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્ન માટે પસંદગી કરાઈ છે. કોઈપણ પક્ષપાત વગર માત્રને માત્ર તેમણે દેશ માટે આપેલા યોગદાનને ધ્યાને લઇ ભારતના કૃષિ અગ્રણી અને કૃષિ ક્ષેત્રે આમોલ પરિવર્તન લાવનાર મહાનુભાવોની પસંદગી થવા બદલ મંત્રી શ્રી પટેલે ગુજરાતના પ્રત્યેક ખેડૂત વતી ભારત સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી નરસિમ્હા રાવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી તરીકે અને ઘણા વર્ષો સુધી સંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે તેમણે કરેલા કાર્યો સરાહનીય છે. ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવા માટે તેમણે વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ પર ભાર મૂકી ભારતને વૈશ્વિક બજાર માટે ખુલ્લું મૂકી આર્થિક વિકાસના નવા યુગની શરૂઆત કરી હતી.
તેમણે ઉમેર્યુ હતું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી ચૌધરી ચરણસિંહે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.
ડૉ. એમ. સ્વામીનાથનને કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં દેશ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશના પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે તેમણે ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.