નારાયણ સરોવર પાસે હથિયારધારી જવાન તૈનાત, વાહનોનું કડક ચેકિંગ

પ્રતિકાત્મક
(એજન્સી)ભૂજ, પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ દરમિયાન કચ્છ અને બનાસકાંઠાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કચ્છમાં નારાયણ સરોવર પાસે હથિયારધારી જવાનો તૈનાત કરી દેવાયા છે. વાહનો અને લોકોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
બહારના લોકો માટે સંવેદનશીલ વિસ્તારોમાં પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. બંને જિલ્લાના છેવાડાના ગામોમાં ખાસ માર્ગ દર્શિકા હેઠળ કામગીરી શરૂ કરાઈ છે. આજે સાંજે બ્લેક આઉટ અંગે તંત્ર લોકોને જણાવશે. ઠેર ઠેર ખાસ સ્પોટ પર પોલીસ અને પેરા જવાનો તૈનાત કરી દેવાયા છે. કચ્છમા નારાયણ સરોવર અને આસપાસના વિસ્તારોમા હથિયારધારી પોલીસ અને અન્ય જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે.
સીમાવર્તી વિસ્તારો અને ગામોમાં એલર્ટ આપીને સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે જાહેર કરવામાં આવેલા બ્લેક આઉટ બાદ આજે સાંજે બ્લેક આઉટ અંગે વહીવટી તંત્ર દ્વારા લોકોને જાણ કરાશે. અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ અને પેરા જવાનોને ઠેર ઠેર તૈનાત કરી દેવાયા છે બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની બેઠક યોજાઈ છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે.
ઈમર્જન્સી માટે હેલ્થ સેન્ટર અને ડોક્ટર્સની સુવિધા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. પેરા મેડિકલ સ્ટાફ જેવી સુવિધાઓ પણ મળશે. પોલીસ દ્વારા સરહદી ગામોમાં ૨૪ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. લોકોને રહેવા, જમવા સહિત આરોગ્યની સુવિધાઓ મળે તે માટેની વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે.