નારાયણ મૂર્તિએ તિરુપતિ મંદિરને ૧.૫૦ કરોડની સોનાની વસ્તુઓનું દાન આપ્યું

અમરાવતી, ઈન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ તેમની ચેરિટી માટે જાણીતા છે. આ વખતે તેમણે જે દાન આપ્યું છે તેના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ દંપતીએ તિરુપતિ બાલાજી મંદિરને ૧.૫૦ કરોડ રૂપિયાના સોનાની વસ્તુઓ દાનમાં આપી છે.
નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિએ તાજેતરમાં જ તિરુપતિ બાલાજી મંદિરમાં મોટું દાન આપ્યું છે. તેમણે મંદિરમાં ૨ કિલોથી વધુ વજનનો સોનાનો શંખ અને સોનાના કાચબાની મૂર્તિ દાનમાં આપી હતી. બંને સોનાની વસ્તુઓની કિંમત ૧.૫૦ કરોડ રૂપિયા છે.
રસપ્રદ વાત એ છે કે, કાચબાની મૂર્તિ અને શંખ બંને ખાસ કરીને સ્વામી અમ્માવરના અભિષેક માટે ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે સુધા મૂર્તિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના સભ્ય પણ હતા. આંધ્ર પ્રદેશ સરકારના સલાહકાર એસ રાજીવ કૃષ્ણાએ સોશિયલ મીડિયા દ્વારા આ દાનની માહિતી આપી હતી.