વિશ્વનાં સૌથી યુવા મહિલા PMને મળ્યા નરેન્દ્ર મોદી

(એજન્સી)બેંગકોક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. અહીં તેમણે થાઇલેન્ડના પીએમ પિટોંગટાર્ન શિનાવાત્રા સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી.
સૌ પ્રથમ, પીએમ મોદીએ ૨૮ માર્ચે આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓએ ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો પર ચર્ચા કરી.
તેમણે કહ્યું કે આપણા સદીઓ જૂના સંબંધો આપણા ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો સાથે જોડાયેલા છે. બૌદ્ધ ધર્મના પ્રસારે આપણા લોકોને એકસાથે લાવ્યા છે. રામાયણની વાર્તાઓ થાઈ લોકોના જીવનનો એક અભિન્ન ભાગ છે.
અગાઉ, થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા બાદ, પીએમ મોદી એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યા. આ પછી, થાઈ રામાયણનું મંચન જોયું. અહીં રામાયણને ‘રામકિયન’ કહેવામાં આવે છે.
પીએમ મોદીએ બાદમાં થાઈલેન્ડના પીએમ પૈટોંગટોર્ન શિનાવાત્રા (૩૮) સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તે વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન છે. આ દરમિયાન બંને દેશોના અધિકારીઓએ વેપાર સંબંધો પર ચર્ચા કરી.
૨૦૨૪માં થાક્સિન શિનાવાત્રાની પુત્રી પેટોંગટાર્ન શિનાવાત્રા થાઇલેન્ડનાં પીએમ બન્યાં. તેઓ પહેલીવાર ઓક્ટોબર ૨૦૨૪માં વિયેતનામમાં આસિયાન સમિટ દરમિયાન મોદીને મળ્યા હતા.
મોદી અગાઉ ૨૦૧૬માં થાઇલેન્ડના નવમા રાજા ભૂમિબોલ અદુલ્યાદેજને શ્રદ્ધાંજલિ આપવા માટે થાઇલેન્ડ ગયા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૧૯માં એશિયન સમિટ માટે થાઇલેન્ડ ગયા હતા. આ તેમની ત્રીજી પણ પ્રથમ સત્તાવાર મુલાકાત છે.
વર્ષ ૨૦૨૧માં થાઈ કંપની ગ્લોબલ રિન્યૂએબલ સિનર્જી કંપની લિમિટેડે ભારતના રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં લગભગ રૂ. ૩૮૮૦ કરોડનું સૌથી મોટું રોકાણ કર્યું. સિંગાપોર, ઇન્ડોનેશિયા અને મલેશિયા પછી થાઇલેન્ડ એ એશિયન દેશોમાં ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.