બોલો લ્યો, ચિત્ર નરેન્દ્ર મોદીનું અને તેને કાચ સામે રાખો તો સામે અમિત શાહ દેખાય !
‘દાંતીવાડા જળાશય યોજના માટે સરકારે રૂપિયા ૪૦૦ કરોડનો ખર્ચ કર્યો, પણ પણ દાંતીવાડામાં માંડ એક કલાક પાણી આવ્યું. BJPના પૂર્વ ધારાસભ્ય મફતલાલે ખુલ્લેઆમ કહ્યું
અમદાવાદ, મૂળ ગુજરાતના સિદ્ધપુરના રહેવાસી અને જાણીતા ચિત્રકાર અકબર મોમીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિશિષ્ટ ચિત્ર દોર્યું છે.
આ અદ્દભુત ચિત્રનો જાદુ એવો છે કે સદરહુ ચિત્રને જો કાચ સામે મુકવામાં આવે તો તેમાં જે પ્રતિબિંબ પડે તેમાં આબેહૂબ અમિત શાહ દેખાય.આ કાચનો જાદુ છે કે ચિત્રનો એ તો ખબર નથી પણ કશોક જાદું છે એ તો નક્કી જ છે.
Akbar Momin Artist from Siddhpur Gujarat
આ ચિત્ર જોઈને એક સિનિયર રાજપુરૂષે એવી કોમેન્ટ કરી કે ‘આ ચિત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે હાલમાં પ્રવર્તતી સમજદારીનો દિશા નિર્દેશ તો કરે જ છે પણ એ ઉપરાંત એક સંભવિત આગાહી પણ કરે છે કે ભવિષ્યમાં અમિત શાહમા જ આપણે નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈ શકીશું.’
આ રાજપુરૂષની વાત સાચી માનીએ તો તેનો અર્થ એવો થાય કે નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાનપદ સંભવતઃઅમિત શાહ જ શોભાવશે. આવું થાય તો ગુજરાત માટે તો ગોળના જ ગાડાં છે હોં!
બોલો લ્યો,સરકારની પોલ ભા.જ.પ.ના પૂર્વ ધારાસભ્ય મફતલાલે જ ખોલી!
ગુજરાતના ભા.જ.પ.ના કાર્યકર્તાઓની હિંમત (અને જીભ પણ) હવે ખુલવા માંડી છે એવું જણાય છે. તાજેતરમાં ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિની બેઠકમાં પ્રવચન કરતા ભા.જ.પ.ના પૂર્વ ધારાસભ્ય મફતલાલે ખુલ્લેઆમ કહ્યું કે ‘દાંતીવાડા જળાશય યોજના માટે સરકારે રૂપિયા ૪૦૦ કરોડનો ખર્ચ કર્યો,
પણ દાંતીવાડામાં માંડ એક કલાક પાણી આવ્યું. વળી, અભણમા અભણ ખેડૂતને ય ખબર પડે કે પાણી પૂર્વથી પશ્ચિમ તરફ ન જાય પણ લાખોનો પગાર લેતા એન્જિનિયરો અને મંત્રીઓ પ્રજાને ગેરમાર્ગે દોરે છે!’ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના વગદાર નેતાની આ વાત જો સાચી હોય તો શરમજનક પણ કહેવાય હોં!
ગુજરાતના નિષ્ઠાવાન અને સંવેદનશીલ ડેપ્યુટી કલેકટર હરેશ મકવાણા
ગુજરાત વહીવટી સેવાના ૨૦૧૯ની બેચના ડેપ્યુટી કલેકટર હરેશ ટી.મકવાણાની એક સર્વમાન્ય છાપ તેમની નેત્રદીપક કામગીરીને કારણે એવી ઊપસી છે કે તેઓ એક નિષ્ઠાવાન, પ્રમાણિક અને સંવેદનશીલ અધિકારી છે.
એમની પ્રમાણિકતાની ચાડી ખાતી એક ઘટના નોંધવા જેવી છે.૨૦૨૨મા યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એચ.ટી.મકવાણા મોરવા હડફની બેઠકના રીટર્નિગ ઓફિસર હતા અને એ બેઠકની ચૂંટણીનો ખર્ચ માત્ર રૂ.૨૦.૫૩/-લાખ થયો હતો. તેની સામે એ જિલ્લાની અન્ય બેઠકોની ચૂંટણી કરવાનો ખર્ચ ૧.૫૧ કરોડથી ૧.૯૨ કરોડ સુધીનો થયો હતો!
આ ફર્ક ‘ઉડીને આંખે વળગે’ એવો છે.મકવાણા જ્યાં પણ નિમણૂંક પામે છે તે વિસ્તારમાં પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે.લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક રાખવાની ટેવ ધરાવતા મકવાણા સરકારી અધિકારી તરીકે ‘સર્વજન હિતાય,સર્વજન સુખાય’ની ભાવનાથી કામ કરતા હોય એવું જણાય છે.
ગુજરાતમાં ફિલ્મ સેન્સર બોર્ડની ઓફિસ લાવવા માટે કલાકારોની માંગણી
ગુજરાતના ભારતીય જનતા પક્ષના પ્રદેશ સાંસ્કૃતિક સેલના અધ્યક્ષ બિહારી હેમુ ગઢવીની આગેવાની નીચેના એક પ્રતિનિધિ મંડળે ફિલ્મ સેન્સર બોર્ડની એક શાખા ગુજરાતમાં સ્થાપવા માટે રજૂઆત કરી છે. ગુજરાતમાં હમણાં ગુજરાતી ફિલ્મોનું સર્જન વિપુલ માત્રામાં થઈ રહ્યું છે.
એ સંજોગોમાં આ રજુઆત સમયસરની ગણાય. તેનું કારણ એ છે કે ગુજરાતના ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મ સેન્સર બોર્ડમાં મંજૂર કરાવવા માટે વારંવાર મુંબઈ ધક્કા ખાવા પડે છે.
હાલ ફિલ્મ સેન્સર બોર્ડની ઓફિસ મુંબઈ ઉપરાંત અન્ય આઠ જગ્યાએ છે જેમાં બેંગલુરુ, કોલકત્તા,કટક, ગુવાહાટી, હૈદ્રાબાદ,નવી દિલ્હી, ચેન્નાઈ અને તિરૂવંતપુરમનો સમાવેશ થાય છે. હવે એ ઓફિસ ગુજરાતમાં સ્થપાય એ પણ ઈચ્છનીય છે.આમ તો અત્યારે ડબલ એન્જિનની સરકાર છે એટલે આ આ કામમાં કોઈ મોટી અડચણ આવવાની શક્યતા તો નથી એટલે એ અંગે ગુજરાતના ફિલ્મ સર્જકો આશાવાદી રહે તેમાં કશું હરકત સરખું નથી હોં!
અમિત શાહ અને જય શાહ – સોહરાબ રૂસ્તમની પરંપરા જાળવતા પિતા -પુત્ર
અમિત શાહ ગૃહ મંત્રી તરીકે જેટલા કડક છે એટલાં જ પિતા તરીકે પણ કડક છે એવું વારંવાર દેખાયા કરે છે. બન્યું એવું કે હમણાં એક ધાર્મિક સ્થળે જય શાહના તાજેતરમાં જન્મેલા દીકરાને પગે લગાડવા માટે શાહકુટુંબ ગયું ત્યારે દાદા અમિત શાહે ત્યાં થયેલી આરતી આવતા તેની પર હાથ ફેરવીને એ હુંફાળા આશીર્વાદ જયના દીકરાનાં માથે અને આંખે અડાડ્યા ત્યારે જયને પોતાના નવજાત શિશુ અંગે ચિંતા થઈ અને એ વ્યક્ત પણ કરી
ત્યારે બાપ અમિત શાહે દીકરા જયને પોતાના અસલી મિજાજથી સંભળાવી દીધું કે ‘કંઈ નહીં થાય,તારે ત્યાં કંઈ નવીનવાઈનો દીકરો આવ્યો છે?’ અગાઉ આવા જ એક ધાર્મિક પ્રસંગે આરતી થતી હતી
ત્યારે જય શાહ કંઈક મોબાઈલ જોતા હતા કે તેની પર વાત કરતા હતા ત્યારે પણ અમિત શાહે જયને ટોકતા તાર સ્વરે કહેલું કે ‘ભઈ હમણાં મોબાઈલ બંધ કરો.’ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) અધ્યક્ષ જેવા પ્રતિષ્ઠિત પદે બીરાજેલા જયકુમાર પિતા અમિત શાહ માટે તો એક દીકરો જ છે,એથી વિશેષ કશું નહીં હોં!