અમદાવાદ જિલ્લામાં તા. 01થી તા. 08 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી
મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સ્વાસ્થ્ય જેવા અગત્યના પાસાંઓને આવરી લેતો ‘નારી વંદન‘ સપ્તાહ
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે; મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્ત્વનાં પરિબળો જેવાં કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં દર વર્ષે તા. 01થી 08 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ‘નારી વંદન’ સપ્તાહ, 2024ના આ કાર્યક્રમમાં તા. 1 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, તા. 2 ઓગસ્ટે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, તા. 3 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, તા. 5 ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તા. 6 ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા. 7 ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને તા. 8 ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
‘નારી વંદન’ સપ્તાહના ઉપરોકત દિવસો દરમિયાન મહિલાઓને સ્વરક્ષણની તાલીમ, ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય સેમિનાર, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા, મેનસ્ટ્રુઅલ હાઈઝીન અંગેનો જાગૃતિ કાર્યક્રમ, મહિલા રોજગાર ભરતી મેળો, જિલ્લામાં નેતૃત્વ કરતી મહિલાઓ માટેનો સન્માન કાર્યક્રમ, કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અન્વયે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર, મહિલા જાગૃતિ શિબિર, રેલી, એનિમિયા ટેસ્ટિંગ, આરોગ્ય પોષણ અંગેનો જાગૃતિ કાર્યક્રમ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.