Western Times News

Gujarati News

વાવના દેવપુરા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી

ત્રણ બાળકો સહિત ૪ના મોત-જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે.

(એજન્સી)પાલનપુર, ગુજરાતના બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે.

સમગ્ર ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. બનાસકાંઠામા વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં ૪ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

જેમાં ૩ બાળકો અને એક પુરુષનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવાર દિયોદરના ભેંસાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કાર રોડની સાઈડમાં ઉતરી જતાં કેનાલમાં ખાબકી હતી.

સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાની હજુ શોધખોળ ચાલી રહી છે. કારમાં નવીનભાઈ જીવાપુરી ગોસ્વામી તેમની પત્ની હેતલબેન (ઉ.વ.ર૮), દીકરી કાવ્યા (ઉ.વ.૬), મિનલ (ઉ.વ.૩) અને પિયુ (ઉ.વ.ર) સવાર હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરબ્રિગેડના તરવૈયાઓ ભારે જહેમત બાદ નવીનભાઈ અને તેમની ત્રણેય દીકરીઓના મૃતદેહ શોધી કાઢયા હતા જ્યારે હેતલબેનની મોડે સુધી શોધખોળ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક સાથે ૪ વ્યક્તિઓના મોત થતાં ગોસ્વામી પરિવારમાં શોકનો મોજું ફરી વળેલ છે. બીજી તરફ પોલીસે આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેને લઈને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.