Western Times News

Gujarati News

નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટરે મિત્ર વર્તુળ સાથે પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરી

રાજપીપલા, નર્મદા જિલ્લામાં થતી પંચકોશી પરિક્રમા એક પાવન અને આધ્યાત્મિક યાત્રા છે, માન્યતા પ્રમાણે, માં રેવાનાં દર્શન માત્રથી સર્વે પાપોનો નાશ થાય છે. માં નર્મદાની પંચકોશી પરિક્રમા શરીર અને મનની શુદ્ધિ સાથે શાંતિનો અનુભવ કરાવે છે.

અત્યાર સુધી લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ સ્નેહી-પરિવારજનો, મિત્રવર્તુળ સાથે પરિક્રમા કરી ચૂક્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. કે. ઉંધાડે પણ ઉત્તરવાહીની પંચકોશીપરિક્રમા કરીને પોતાના કુટુંબજનો, સ્નેહીઓ, મિત્ર વર્તુળ સહિત નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની કામના કરીને માં નર્મદાના દર્શન કર્યા હતા.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી સી. કે. ઉંધાડે જણાવ્યું કે, માઁ નર્મદાની પરિક્રમા કરીને શાંતિ અને ઉર્જાનો અનુભવ થયો છે. આ યાત્રા પરિક્રમાર્થીઓ સાથે અન્ય અધિકારીઓ અને નાગરિકોને પણ આધ્યાત્મિક જીવન તરફ પ્રેરણા આપશે. વધુમાં શ્રી ઉંધાડે, પરિક્રમા માર્ગમાં અનેક ભાવિ ભક્તો સાથે સંવાદ સાધીને પરિક્રમાર્થીઓના પ્રતિભાવો જાણ્યા હતા. ભક્તોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સલામતીની સાથે ફરજ પરના તંત્રના અધિકારી-કર્મચારીઓ સાથે મુલાકાત કરીને શ્રી ઉંધાડે તેમના સ્વાસ્થ્યની કાળજી લીધી હતી.

નોંધનીય છે, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓનું તાજેતરમાં જ ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરીક્ષણ કરીને લાભાર્થીઓના પ્રતિભાવો મેળવ્યા હતા. પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી તમામ સુવિધાઓની નોંધ લઈને મુખ્યમંત્રીશ્રીએ તંત્રની અને યાત્રાધામ વિકાસ બોર્ડના કામગીરીની સરાહના કરી હતી.

આ પવિત્ર યાત્રા દરમિયાન શ્રીઉંધાડે તેમના પરિવારજનો, સ્નેહીગણ અને મિત્રમંડળ સાથે માતા નર્મદાના તટે આવેલ પવિત્ર સ્થળોના દર્શન કર્યા હતા. આ પવિત્ર યાત્રામાં તેઓની સાથે જિલ્લા ટ્રાફિક ડીસીપી – સુરત, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ – સુરત, ડીઆરડીએ વ્યારા, ડીસી પ્રોટોકોલ, જિલ્લા રોજગાર અધિકારી – સુરત, જિલ્લા શિક્ષણ નિરીક્ષક – સુરત સહિતના અધિકારીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.