Western Times News

Gujarati News

SoU ખાતે મોકડ્રીલ યોજાઈ : નર્મદા જિલ્લામાં ૭:૩૦ થી ૮:૦૦ દરમિયાન બ્લેક આઉટ યોજાયું

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગ લાગતા ૪૦૦ પ્રવાસીઓને સુરક્ષિત કરાયા : ઇજાગ્રસ્ત બે લોકોને ટ્રોમા સેન્ટર ખસેડાયા

આગના બનાવને પગલે CISF, પોલીસ, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, L&T અને એસ.ઓ.યુ. ના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા

નર્મદા જિલ્લાના નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઈટ બંધ રાખીને તંત્રને સહયોગ કર્યો

રાજપીપલા, નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આજે સાંજે એકાએક આકસ્મિક આગની ઘટના સર્જાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી (ઓથોરિટી) તથા જિલ્લા વહીવટી તંત્રએ ભારે જહેમત બાદ ઘટના પર કાબુ મેળવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પાછળના ભાગમાં આગ લાગતાની સાથે જ તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી, અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને ૪૦૦ જેટલા પર્યટકોને ગોલ્ફ કાર્ટની મદદથી સુરક્ષિત રીતે પરિસરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા.

ફાયર વિભાગ, ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આરોગ્ય વિભાગ, પોલીસ અને CISF ની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. યુનિટી પરિસરના પાછળના ભાગે ૬૦ મીટરની ઊંચાઈ સુધી લાગેલી આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ચાર જેટલા ફસાયેલા પર્યટકોને સફળતા પૂર્વક રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા, અને બે લોકો ઇજા થતા ટ્રોમા સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા હતા.

આ પ્રસંગે, સ્ટેચ્યુ ઓફ યુનિટી (ઓથોરિટી)ના અધિક કલેક્ટર શ્રી નારાયણ માધુએ જણાવ્યું હતું કે, અમારી ટીમ કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. અમારી પાસે આપત્તિ વ્યવસ્થાપન માટે યોગ્ય ડિઝાસ્ટર પ્લાન ઉપલબ્ધ છે. આજે બનેલી ઘટનામાં ત્વરિત ધોરણે પર્યટકોને સુરક્ષિત રીતે પરિસરની બહાર લાવવામાં સફળતા મળી હતી. જે બાદ ફાયર ફાઈટરની ટીમે પણ ખૂબ ટૂંકા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

નોંધનીય છે કે, નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે યોજાયેલી તબક્કાવાર મોકડ્રિલ ભવિષ્યમાં અચાનક ઊભી થનારી કોઈપણ સંભવિત પરિસ્થિતિ તથા આપત્તિ સમયે નાગરિકોને, પ્રવાસીઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે. મોકડ્રિલ “ઓપરેશન અભ્યાસ” કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશોને ધ્યાને લઈને આજે યોજાઈ હતી. આ મોકડ્રિલને સફળ ગણાવી હતી.

વધુમાં જણાવવાનું કે, સમગ્ર નર્મદા જિલ્લામાં સાંજે ૭:૩૦ થી ૮:૦૦ દરમિયાન બ્લેકઆઉટ યોજાયુ હતું. જેમાં નાગરિકોએ સ્વયંભુ રીતે લાઈટ બંધ રાખીને તંત્રને સહયોગ કર્યો હતો. આજે નર્મદા જિલ્લામાં તબક્કા વાર યોજાયેલી મોકડ્રિલને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા ‘લેસર શો’ ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

મોકડ્રિલ દરમિયાન એસઓયુના અધિક કલેક્ટરશ્રી ગોપાલભાઈ બામણિયા, પ્રાંત અધિકારીશ્રી કિશનદાન ગઢવી, CISF ના સહાયક કમાન્ડંટશ્રી જશવંતસિંગ, L&T ના ઓપરેશનલ એન્ડ મેનેજમેન્ટ હેડશ્રી શૈલેષ માસ્ટર, સ્ટેશન ફાયર ઓફિસરશ્રી અમીત પટેલ, ડીવાયએસપી શ્રી રિયાઝ સરવૈયા, નાયબ કલેક્ટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદકુમાર મછાર સહિત એસઓયુના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.