નર્મદા જિલ્લામાં ૪૧૭ થી વધુ નવનિર્મિત આવાસોમાં લાભાર્થીઓ પ્રવેશ કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/EWS-AHM.jpg)
પ્રતિકાત્મક
આજે અંબાજી ખાતે યોજાનારા પીએમના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ૧૧૧ ગામો વન વે કનેક્ટીવીટીથી જોડાશે
રાજપીપલા, શુક્રવારના રોજ અંબાજી, બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પસંદગી પામેલા લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ શુક્રવારના રોજ સાંજે ૫:૦૦ કલાકથી ૭:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે.
જેનું સીધું પ્રસારણ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓ સહિત ગ્રામ્ય કક્ષાએ નિહાળવામાં આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવની રાહબરીમાં કુલ-૧૧૧ ગામોમાં ગ્રામજનો અને લાભાર્થીઓ One-Way Connectivity થી જોડાઈને વડાપ્રધાનશ્રીના જીવંત કાર્યક્રમને નિહાળશે.
અત્રે નોંધનિય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ૪૦૦૦ થી વધુ આવાસોના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેને અનુસંધાને નર્મદા જિલ્લામાં કુલ-૧૧૧ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા), આદિજાતિ વિકાસ વિભાગ,
દિનદયાલ ઉપાધ્યાય યોજના અને ડૉ.બાબાસાહેબ આંબેડકર યોજના અંતર્ગત કુલ-૪૧૭ થી વધુ લાભાર્થીઓ તેમના નવનિર્મિત આવાસોમાં પ્રવેશ કરનાર છે. આ કાર્યક્રમની સાથે-સાથે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં તા. ૨૭ થી તા.૩૦ મી સપ્ટેમ્બર સુધી “સ્વચ્છતા હી સેવા”ની ઉજવણી અન્વયે નર્મદા જિલ્લાના વિવિધ મુખ્ય વિભાગો દ્વારા યોજનાકિય કામગીરી, સફાઈ અભિયાન, સ્વચ્છતા જાગૃતિ રેલી, શાળાના બાળકો માટે ચિત્રસ્પર્ધા, રંગોળી સ્પર્ધ સહિત જનજાગૃતિ અંગેને કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી છે.