નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ અને હાયપર ટેન્શન સ્ક્રીનીંગ નિદાન કેમ્પ યોજાયો
(માહિતી) રાજપીપલા, નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, સીવીડી સ્ટોક પ્રોગ્રામ અંતર્ગત આજરોજ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કમ પોલીક્લિનીક રાજપીપલા(જૂની સિવિલ) ખાતે યોજાયેલા કેમ્પને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિલાંબરીબેન પરમારના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં જિલ્લાભરમાંથી પીએચસી સેન્ટર પર નોંધાયેલા અંદાજિત ૧૦૦ કરતાં વધુ દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા કન્સલટિંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની રાહબરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહે તેવા હેતુ સાથે વિવિધ કેમ્પ-કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ તા.૨૦મી માર્ચે જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા ડાયાબિટીસ અને હાયપર ટેન્શન સ્ક્રીનીંગ કેમ્પમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે નોંધાયેલા ડાયાબિટીસ અને હાયપર ટેન્શનના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ તાલુકાના દર્દીઓને રાજપીપલા સુધી લાવવા-લઈ જવા માટેની સુવિધા પણ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે પુરી પાડવામાં આવી હતી.