હડતાળમાં સામેલ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના ૧૧૯ કર્મીઓને ટર્મિનેટ કરાતાં ખળભળાટ

રાજપીપળા, ગુજરાત સહિત નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓએ પોતાની વિવિધ માંગ સાથે છેલ્લા ૧પ દિવસથી હડતાળ પર છે ત્યારે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ હડતાળમાં સામેલ ૧૧૯ આરોગ્ય કર્મચારીઓને ટર્મીનેટ કરતા ખળભળાટ મચ્યો છે.
ગુજરાત સહિત નર્મદા જિલ્લાના વિવિધ શાખાના આરોગ્ય કર્મીઓ પોતાની વિવિધ માંગો સાથે છેલ્લા ૧પ દિવસથી હડતાળ પર છે ત્યારે રાજયની આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે. તો બીજી બાજુ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લાના ૪૯ એમ.પી.એચ.ડબલ્યુ તથા ૭૦ એફ.એચ.ડબલ્યુ મળી કુલ ૧૧૯ આરોગ્ય કર્મીઓને કારણદર્શક નોટીસ ફટકારી હતી.
નોટીસમાં જણાવ્યું હતું કે તમારા દ્વારા મનસ્વીપણે બિનઅધિકૃત રીતે ગેરહાજર રહી જાહેર આરોગ્યની વ્યવસ્થાને જોખમમાં મુકી છે. તમારી અવ્યવહારુ માંગણીઓને લીધે હડતાળ પર ઉતરી જવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઉભુ થયું છે. તમારા દ્વારા જાહેર આરોગ્ય સેવાઓને બાનમાં લીધી છે જે ચલાવી લેવાશે નહી. નોટીસ મળ્યાને એક દિવસમાં જો રૂબરૂ આવી ખુલાસો નહીં કરો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની આ નોટીસનો કોઈ જવાબ ન આપનારા ૧૧૯ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા આરોગ્ય અધિકારીએ ટર્મીનેટ કરી દીધા છે ત્યારે આગામી સમયમાં જિલ્લાના વધુ આરોગ્ય કર્મીઓ પર પણ ટર્મિનેશનનું જોખમ ઉભું હોવાનું જાણવા મળ્યું છે.
નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ.માઢકે જણાવ્યું હતું કે હડતાળ પર ઉતરેલા જિલ્લાના એમ.પી.એચ.ડબલ્યુ તથા એફ.એચ.ડબલ્યુ કર્મીઓને અમે કારણદર્શક નોટીસ ફટકારી હતી. નોટીસમાં જણાવેલા સમયમાં જવાબ ન આપતા જિલ્લાના ૧૧૯ આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કર્યા છે. આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય વિવિધ મંડળના પ્રમુખ રાજેન્દ્ર તડવીએ જણાવ્યું હતું કે અમે કોરોનામાં જે કામગીરી કરી એ સરકારે ભુલવી જોઈએ નહી.
અમે કોઈ એવો ગુનો કર્યો નથી કે અમને છુટા કરવા પડે. નેતાઓએ સરકાર અને અમારી વચ્ચે મધ્યસ્થી કરી માંગણીઓ સાંભળવી જોઈએ. જયારે હડતાળ પુરી થશે ત્યારે ટર્મિનેટ કરાયેલા કર્મીઓને પરત લેવા પડશે.