રાજપીપલા કલેક્ટરાલય ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી સહભાગી બનતો નર્મદા જિલ્લો
(માહિતી) રાજપીપલા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે “કિશોરી કુશળ બનો” થીમ આધારિત નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૪ જેટલાં તાલુકાઓ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે આજે સેફ સ્પેસ એન્ડ એડોલેસેન્ટ રિસોર્સ સેન્ટર્સના કરાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતેથી મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરી, અડાણી ફાઉન્ડેશનના સુપોષણ અભિયાનના સુશ્રી ઝંખનાબેન માછી અને ફાલ્ગુનીબને મોડીયા સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપરાંત વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓ વગેરે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી તેમાં જાેડાયાં હતાં.
આ પ્રસંગે મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે રાજ્યના ૨૨ જિલ્લાઓ ખાતે સખી મેળાનું ઇ-લોન્ચીંગ કરવાની સાથોસાથ જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દીકરીઓએ મંત્રીશ્રી સાથેના પરિસંવાદમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. રાજ્યકક્ષાએથી યોજાયેલા સખી મેળાના ઇ-લોન્ચીંગ અંતર્ગત નર્મદા જિલ્લામાં આજે તિલકવાડામાં ICDS હોલ ખાતે, દેડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ પાસેની કન્યા શાળા ખાતે તેમજ રાજપીપલામાં કાળીયાભૂત નજીક સરકારી કોલેજ હોસ્ટેલ ખાતે આ સખી મેળા યોજાયા હતા.
ઉક્ત કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી ભાગ લઇ રહેલી દીકરીઓએ મહિલાઓના શિક્ષણ, આરોગ્ય-પોષણ, સલામતી-સુરક્ષા વગેરે જેવી બાબતો અંગે મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ સાથે સીધો સંવાદ કરી તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
નર્મદા જિલ્લાની જિમ્નાસ્ટીક ચેમ્પીયન અને ધો.૧૦ ની વિદ્યાર્થીની પ્રિતીબેન મહેશભાઇ વસાવાએ મંત્રીશ્રી સાથેના સંવાદમાં તેની સખીને લોહીની ફિકાશ બાબતે પૃચ્છા કરતાં મંત્રીશ્રીએ સુપોષણ માટે શાળાઓમાં અપાતી આયર્નની દવા, આંગણવાડી મારફત THR વિતરણ સહિતની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ પ્રસંગે યુનિસેફના ગુજરાત ખાતેના વડાશ્રી પ્રશાંતા દાસ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત સચિવશ્રી પી.બી.પંડ્યા તેમના પ્રાસંગિક ઉદબોધનમાં શુભેચ્છા સંદેશ પાઠવ્યાં હતાં. મહિલા કલ્યાણ નાયબ નિયામકશ્રી વી.એસ.શાહે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી. પ્રારંભમાં મહિલા કલ્યાણના નિયામક સુશ્રી પુષ્પલતાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ઉજવણીના હેતુ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી અંતમાં મહિલા કલ્યાણના નાયબ કમિશ્નર સુશ્રી કે.એસ. યાજ્ઞીકે આભાર દર્શન કર્યું હતું.