Western Times News

Gujarati News

દરિયામાં વહી જતું નર્મદાનું વધારાનું પાણી ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું: પાણી પુરવઠા રાજ્ય મંત્રી 

Ø  ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ

Ø  દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૯૨૩ કરોડના ખર્ચે ૫૩.૭૦ કિમી લાંબી પાઇપલાઇન નખાશે

Ø  થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૧,૧૫૦ કરોડના ખર્ચે ૬૩.૮૬ કિમી લાંબી પાઇપલાઇન નખાશે

Ø  આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે

વિધાનસભા ગૃહ ખાતે પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,દરિયામાં વહી જતું નર્મદા નદીનું વધારાનું પાણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના પરિણામે આજે ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું છે. આજે સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના પરિણામે આપણું રાજ્ય પાણીદાર બન્યું છે.

વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૯૨૩ કરોડના ખર્ચે આશરે ૩૦૦ ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી ૫૩.૭૦ કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ પાઇપલાઇનના માધ્યમથી દિયોદર તાલુકાના ૪૬ ગામ, લાખણી તાલુકાના ૪૩ ગામ, ડીસા તાલુકાના ૨૩ ગામ અને થરાદ તાલુકાના ૧૨ ગામોને મળીને કુલ ૧૨૪ ગામોના ૧૯૪ તળાવોને જોડવામાં આવશે.

તેવી જ રીતે, થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. ૧,૧૫૦ કરોડના ખર્ચે આશરે ૨૦૦ ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી ૬૩.૮૬ કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માધ્યમથી થરાદ તાલુકાના ૫૪ અને ધાનેરા તાલુકાના ૫૫ ગામોને મળીને કુલ ૧૦૯ ગામના ૧૧૭ તળાવોને પાઈપલાઈન સાથે જોડવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે, તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.