અગિયાર દિવસ અગાઉ શિનોર નજીક નર્મદામાં ડુબેલ યુવકનો મૃતદેહ વેલુગામ કિનારા પર મળ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/09/Narmada-1024x683.webp)
ભરૂચથી દિવેર ફરવા ગયેલ ચાર મિત્રો પૈકી ૨૮ વર્ષીય યુવક નદીમાં લપસી જતા લાપતા બન્યો હતો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ નજીક નર્મદા નદીના કિનારેથી ગતરોજ તા.૨૭ મીના રોજ એક ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ઉમલ્લા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ મુળ મોરબી જીલ્લાનો રહીશ અને હાલ ભરૂચના મનુબર ચોકડી ખાતે રહેતો જયદીપભાઈ લક્ષ્મણભાઈ બોપલીયા નામનો ૨૮ વર્ષીય યુવક ગત તા.૧૬ મી ઓગસ્ટના રોજ તેના ત્રણ મિત્રો મંથન પટેલ,હેમલભાઈ પરમાર તથા પ્રિતેશ ગોહિલ સાથે ફોર વ્હિલર ગાડી લઈને ચારેય મિત્રો શિનોર તાલુકાના દિવેર ખાતે નર્મદા કિનારે ફરવા આવ્યા હતા.
દરમ્યાન દિવેર પહોંચીને આ ચારેય મિત્રો ગાડી પાર્ક કરીને નર્મદા કિનારે ફરવા ચાલતા નીકળ્યા હતા. આ લોકો બપોરના સવા બે વાગ્યાના અરસામાં નદીના ભાઠામાં આવ્યા હતા. ત્યાર બાદ આ યુવકો પૈકી જયદીપ અને હેમલ હાથ પગ ધોવા નદીના પાણીમાં ગયા હતા. દરમ્યાન જયદીપ અને હેમલના પગ લપસી જતા જયદીપ પાણીમાં તણાવા લાગ્યો હતો.
ત્યારે જયદીપને બચાવવા જતા હેમલ પણ પાણીમાં તણાવા લાગ્યો હતો.મિત્રોને નદીમાં તણાતા જોઇને પ્રિતેશ બન્નેને બચાવવા દોડી આવ્યો હતો.આ દરમ્યાન મંથને હેમલને બહાર કાઢી લીધો હતો.પરંતું પ્રિતેશ પણ પાણીમાં તણાવા લાગતા કિનારા પર ભેંસો ચારતા એક પશુપાલકે આવીને લાકડીનો સહારો આપીને પ્રિતેશને બચાવી લીધો હતો. આ દરમિયાન ૨૮ વર્ષીય યુવક જયદીપ બોપલીયા નદીના પ્રવાહમાં તણાઈને ઉંડા પાણીમાં લાપતા થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો નદી કિનારે દોડી આવ્યા હતા અને નદીમાં ડુબી ગયેલ જયદીપની શોધખોળ શરુ કરી હતી.પરંતું તેની કોઈ ભાળ મળી ન હતી.ત્યાર બાદ આ ઘટનાના અગિયાર દિવસ બાદ ગતરોજ તા.૨૭ મીના રોજ સવારના દસેક વાગ્યાના સમયે મંથન પટેલને ખબર મળી હતી કે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના વેલુગામ પાસે નર્મદા કિનારેથી એક પુરુષનો જર્જરિત હાલતમાં અને જળચર જીવો દ્વારા ખવાયેલ મૃતદેહ મળ્યો છે.
ત્યાર બાદ મંથન પટેલે સ્થળ ઉપર આવીને જોતા ડીકમ્પોઝ હાલતવાળો મૃતદેહ તા.૧૬ મીએ શિનોરના દિવેર ખાતે નર્મદામાં ડુબી ગયેલ તેના મિત્ર જયદીપનો હોવાનું જણાતા મંથને સદર મૃતદેહ જયદીપનો હોવાની ઓળખ આપી હતી.આ ઘટના સંદર્ભે મંથન પટેલ રહે.ભરૂચનાની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે જાણવાજોગ નોંધ લઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.