એક મહિનો ચાલશે માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા: 8મી એપ્રિલથી શરૂ થશે
નર્મદા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની આગેવાનીમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના વૈકલ્પિક રૂટનું નિરીક્ષણ કરાયું
(માહિતી) વડોદરા, રાજપીપલા,શુક્રવારઃ- નર્મદા જિલ્લામાં આગામી તા. ૮ મી એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે.
જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા. ૨૮મી માર્ચ, ગુરૂવારના રોજ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આગેવાનીમાં સમગ્ર પરિક્રમા વૈકલ્પિક રૂટનું સંયુક્ત ટીમ દ્વારા નિરીક્ષણ ગઇકાલે કરવામાં આવ્યું હતું.
પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે કલેકટરશ્રીએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે પરિક્રમા સબંધિત બેઠક યોજી પરિક્રમા સંદર્ભે કેટલીક મહત્વની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ પરિક્રમા રૂટ ઉપર તિલકવાડા તરફના ઘાટ ખાતે પહોંચી સ્થાનિક આગેવાનો, સાધુસંતો સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી.
પરિક્રમાવાસીઓને સુગમતા-સલામતી રહે તે બાબતે ભાર મુકાયો હતો. વધુમાં નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા શહેરાવ અને તિલકવાડા વચ્ચે હંગામી કાચો પુલ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધિન આપી હોય ત્યાં પુલ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા બનશે. તે અંગે પણ માહિતી મેળવી તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સબંધિતોને જરૂરી સૂચનો કર્યા હતા. આ હંગામી કાચો પુલ બનતા શ્રદ્ધાળુઓ ચાલીને નદી પાર કરી શકશે.
તિલકવાડાથી પરિક્રમા પથ ઉપર પસાર થઈ રેંગણ ગામ પાસે આવેલા કીડી મંકોડી ઘાટ ખાતે નાવડીના સંચાલન અંગે નિરીક્ષણ કરી જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. પરંતુ નદીમાં પાણી ઉંડુ અને મગરની મોટી માત્રાના કારણે નદીમાં જોખમ રહેતું હોય છે અને શ્રધ્ધાળુઓની સંખ્યા હજારોની માત્રામાં આવતી હોય છે.
જે યાત્રાળુઓ માટે હોડીઓ મારફત વહન-આવન-જાવન કરવું મૂશ્કેલ બને છે અને કોઇ પણ જાતની ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ત્રીજા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા નિર્ધારીત કરાઇ છે. આ વેળાએ સ્થાનિક અગ્રણીઓ અને આસપાસના આશ્રમના સાધુ સંતો પણ જોડાયા હતા.
રામપુરા- કીડી મંકોડી-રેંગણ ઘાટ વચ્ચે નાવડી ચલાવવાની મંજૂરી ન મળે તો તેવા સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા કીડી મકોડી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે. તે માટેના રૂટનું નિરીક્ષણ ગઇકાલે સાંજે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રામપુરા ખાતે શ્રદ્ધાળુઓના વાહનોના ર્પાકિંગ સુવિધા, ટ્રાફીક અંગે પણ નિરીક્ષણ કર્યું હતું.
ઉત્તરવાહિની નર્મદા પરીક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે.
લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે. ત્રીજા વૈકલ્પિક રૂટમાં થોડું અંતર વધારે કાપવાનું રહે છે. પણ તે સલામતી-સાવધાની માટે જરૂરી જણાય છે. તેમાં સૌએ સહયોગ આપવા અપિલ કરાઇ હતી અને યાત્રા સુખરૂપ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તેમાં અમે પુરેપુરો સહયોગ કરીશું, તેમ જિલ્લા કલેક્ટરશ્રી એ જણાવ્યું હતુ.