નરોડામાંથી લાપત્તા ત્રણેય ભાઈ બહેનો વેરાવળ રેલવે સ્ટેશન પરથી મળ્યા
શ્રમિક પરિવારના ત્રણેય બાળકો ઘર પાસેથી જ લાપત્તા બનતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી મહિલા ક્રાઈમબ્રાંચે બાળકો પાસે ભીખ મંગાવવા ઉપરાંત ચોરી કરાવતી ટોળકીનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી લીધા છે આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે ત્યાં જ શહેરના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં એક શ્રમિક પરિવારના ત્રણ બાળકો ઘરની બહાર રમતા હતા ત્યારે અજાણ્યા શખ્સો તેઓનું અપહરણ કરી ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને બાળકોને શોધવા માટે પોલીસની જુદી જુદી ટીમોએ સઘન તપાસ શરૂ કરી છે.
આ વિસ્તારમાં તમામ સીસીટીવી કુટેજ મેળવી કાર્યવાહી શરૂ કરાઈ છે ચોંકાવનારી બાબત એ છે કે કુલ ૪ ભાઈ બહેનો ઘરની બહાર રમતા હતાં જેમાંથી સૌથી નાની છોકરી ઘરે પરત ફરી હતી જયારે ત્રણ ભાઈ બહેનો રમતા હતા અને ત્યાંથી જ તેઓ લાપત્તા બની ગયા હતાં. એક સાથે ત્રણ ભાઈ બહેનોના અપહરણની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ સતર્ક બન્યા છે અને શહેરભરમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આઠથી દસ વર્ષના ત્રણેય ભાઈ બહેનોમાં એક છોકરો છે અને બે છોકરીઓ છે અને ત્રણેયના ફોટા તમામ પોલીસ સ્ટેશનોને મોકલી આપવામાં આવ્યા છે સાથે સાથે એસ.ટી. સ્ટેન્ડો તથા રેલવે સ્ટેશનો પર વોચ ગોઠવી દેવામાં આવી હતી દરમિયાનમાં વહેલી સવારે ત્રણેય ભાઈ બહેનો વેરાવળ રેલવે સ્ટેશન પરથી મળી આવતા પોલીસતંત્રએ અને લાપત્તા બાળકોના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
નરોડા જીઆઈડીસી એસ્ટેટમાં યશ બેંકની પાછળ સિધ્ધેશ્વરી એસ્ટેટમાં પ્રેમસિંગ રાજપુત નામનો યુવક પોતાના પરિવારજનો સાથે રહે છે શ્રમજીવી આ પરિવાર નજીકમાં જ આવેલા કારખાનાઓમાં મજુરી કામ કરે છે પ્રેમસિંગને કુલ ચાર બાળકો છે જેમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. સૌથી મોટો પુત્ર છે જયારે ત્યારબાદ ત્રણ પુત્રીઓ છે પ્રેમસિંગ મુળ મહેસાણાનો છે અને અહી રોજીરોટી મેળવવા માટે આવ્યો હતો.
પ્રેમસિંગ યશ બેંકની પાછળ સિધ્ધેશ્વરી એસ્ટેટમાં જ ઓરડીમાં રહેતો હતો અને તેના ચારેય બાળકો પણ તેની સાથે જ હતાં ગઈકાલે સવારે ૧૦ થી ૧ર વાગ્યાની વચ્ચે નિત્યક્રમ મુજબ ચારેય બાળક ઓરડીની બહાર નજીકમાં જ રમતા હતાં આ ગલીમાં શ્રમિકોની અવરજવર રહેતી હોય છે. ગઈકાલે બપોરે ચારેય ભાઈ બહેનો રમતા હતા.
ત્યારે સૌથી નાની પુત્રી ઘરે પરત ફરી હતી અને તેણે પોતાના પિતાને ફરિયાદ કરી હતી કે તેના મોટા ભાઈ બહેનો રમાડતા નથી ત્યારબાદ તેને મનાવી લીધી હતી દરમિયાનમાં બપોર થવા છતાં ૧૦ વર્ષનો પુત્ર તથા ૯ અને ૮ વર્ષની બંને પુત્રીઓ ઘરે પરત આવી ન હતી જેના પરિણામે પ્રેમસિંગ રાજપુત ચિંતિત બન્યો હતો અને તે ઘરની બહાર ગલીમાં બાળકોને શોધવા નીકળ્યો હતો.
લાંબો સમય થવા છતાં ઘરે પરત નહી ફરતા પિતા ત્રણેય બાળકોને શોધવા નીકળ્યા હતા પરંતુ ગલીમાં એક પણ બાળક જાવા મળ્યુ ન હતું જેના પરિણામે તે ચિંતિત બની ગયો હતો અને તેના સાથી ભાઈઓને આ વાતની જાણ કરી હતી અને ત્યારબાદ સમગ્ર ગલીમાં તથા તમામ ઓરડીઓમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ એકેયનો પત્તો લાગ્યો ન હતો એક સાથે ૩ નાના બાળકો ગુમ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે હોહામચી ગઈ હતી મોડે સુધી બાળકોની શોધખોળ બાદ તેઓનો પત્તો નહી લાગતા આખરે પિતા પ્રેમસિંગ નરોડા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે પોતાના એક પુત્ર અને બે પુત્રીઓનું કોઈ અપહરણ કરી ગયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ બાળકોના અપહરણની ફરિયાદના પગલે સતર્ક બનેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક તમામ રેલવે સ્ટેશનો અને એસ.ટી. સ્ટેન્ડો પર વોચ ગોઠવી હતી અને રાજયના પણ રેલવે સ્ટેશનો તથા એસ.ટી સ્ટેન્ડો પર સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરવામાં આવી હતી જેના પગલે તમામ ટ્રેનોમાં અને એસ.ટી. બસોમાં તપાસ કરવામાં આવી હતી દરમિયાનમાં આ બાળકો રેલવે સ્ટેશન પર જાવા મળ્યા હતા.
આ દરમિયાનમાં રાતભરની તપાસ બાદ વહેલી સવારે આ ત્રણેય બાળકો વેરાવળ રેલવે સ્ટેશન પર જાવા મળતા જ પોલીસે ત્રણેયનો કબજા લઈ લીધો હતો.
બીજીબાજુ સ્થાનિક પોલીસે આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો આ બાળકો નરોડાથી વેરાવળ રેલવે સ્ટેશન પર કઈ રીતે પહોંચ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે હાલમાં ત્રણેય બાળકોની પુછપરછ ચાલી રહી છે.