નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતર : બેના મોત, ચાર ગંભીર
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ગેસ ગળતર થતા બે કર્મચારીના મોત થયા છે. જ્યારે સાત લોકોને મણિનગરની LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ચાર લોકોની હાલત ગંભીર છે.રાજ્ય સરકાર ઘ્વારા છેલ્લા ચાર વર્ષથી ફેકટરીઓને ફાયર એન.ઓ.સી.આપવાનું બંધ કરવામાં આવ્યું છે જેના કારણે ફેકટરી માલિકો પર સરકાર નો કોઈ જ અંકુશ રહ્યો નથી તેથી ફેકટરી માલિકો સરેઆમ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે જેનો ભોગ નિર્દોષ મજૂરો બને છે.
નારોલની દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કેમિકલ લીક થવાના કારણે ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિને ગેસની અસર થતાં 108 મારફતે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા અસલાલી ફાયરબ્રિગેડની ટીમ ઇમર્જન્સી વાન સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ ગળતર બંધ કરાવ્યું હતું. ગેસ ગળતરની ઘટનાને પગલે ફાયર બ્રિગેડ, GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. સ્ટાફે તાત્કાલિક 108ને ફોન કરી બોલાવી હતી.
આ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં મટન ગલી પાસે આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આજે સવારે ગેસ ગળતર થયું હતું. સલ્ફ્યુરિક એસિડ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાતું હતું. આજે સવારે 11 વાગ્યાની આસપાસ કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રિએકશન થતાં ગેસ ગળતર થયું હતું.
જેને કારણે ફેક્ટરીમાં કામ કરતા લોકોને ગેસની અસર થતાં 9 લોકો બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામને સારવાર અર્થે મણિનગરની LG હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં બે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર લોકોની હાલત ખૂબ ગંભીર છે.
ફાયર બ્રિગેડે તાત્કાલિક ગેસ ગળતર બંધ કરાવ્યું ગેસ ગળતરની ઘટના બન્યા બાદ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ડિવિઝનલ ફાયર ઓફિસર અને સ્ટેશન ફાયર ઓફિસર સહિત અસલાલી ફાયર સ્ટેશન ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષિત સાધનો સાથે તાત્કાલિક ધોરણે ગેસ ગળતર બંધ કરાવવામાં આવ્યું હતું. ચાર લોકો હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના મામલે હવે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે સ્થાનિક જાણકારોના જણાવ્યા મુજબ ભારતનુ એક માત્ર રાજ્ય ગુજરાતમા છેલ્લા ચાર વર્ષ થી ફાયર એન.ઓ.સી આપવાનુ બંધ કરી દેવા મા આવતા, તમામ ઔદ્યોગિક એકમો પર થી આગ અકસ્માત ની સલામતીને લગતી દેખરેખ અને નિયંત્રણ હટી જતા ફેક્ટરીઓ ના માલિકો બેફામ અને બે-લગામ બની જઇ સલામતીની સદંતર, સરેઆમ,સતત અવગણના કરી બેદરકાર બની જઇ,
પોતાના કામદારો ના જીવના જોખમે મોટો નફો રળી લેવાની હલ્કી માનસિક્તાને પરિણામે નિર્દોષ કામદારો જીવ ગુમાવી રહ્યા છે, ગંભીર ઈજાગ્રસ્ત બની આજીવન શારીરિક યાતનાઓ વેઠી રહ્યા છે, જીવ ગુમાવનાર અને ઈજાગ્રસ્ત કામદારોના કુટુંબીજનો નિરાધાર બની રહ્યા છે. ફરીપાછુ એક વધુ તપાસ નુ તરકટ રચાશે, અને જવાબદાર ગુનેગાર માલિકોને અક્કર ચક્કર ચલાવી છોડી મુકવામા આવશે.
ઇજાગ્રસ્તોના નામ
મફુઝ અંસારી (ઉ.વ. 42)
મહેન્દ્રભાઈ (ઉ.વ. 50)
ઇશાદ ખાન (ઉ.વ. 25)
મંગલ સિંઘ (ઉ.વ. 56)
અશોકભાઈ (ઉ.વ. 56)
માલજીભાઈ (ઉ.વ. 59)
મૃતકના નામ
લવકુશ મિશ્રા (ઉ.વ. 32)
કમલકુમાર યાદવ (ઉ.વ. 25)
(તમામ રહે. નારોલ જીઆઈડીસી)