Western Times News

Gujarati News

બંગાળમાં ચૂંટણી જીતવાના ભાજપના પ્રયાસો -બચ્ચનના સાસુને સાથે રાખી બંગાળીઓને રિઝવશે

એમપીના ગૃહ મંત્રીનું ભોપાલમાં રહેતા બચ્ચનના સાસુ સાથે મુલાકાત કરી બંગાળીઓના સંમેલનમાં આમંત્રણ

ભોપાલ,  પશ્ચિમ બંગાળની ચૂંટણીની કમાન મધ્ય પ્રદેશના નેતાઓના હાથમાં છે. પૂર્વ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પશ્ચિમ બંગાળના પ્રભારી છે. તેઓ ઈન્દોરના રહેવાસી છે. તો, મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને પણ પશ્ચિમ બંગાળની ૪૮ બેઠકોની જવાબદારી મળી છે. નરોત્તમ મિશ્રા ૪ દિવસ પશ્ચિમ બંગાળમાં કેમ્પ કરી ભોપાલ પાછા આવ્યા. તે પછી તેઓ મધ્ય પ્રદેશમાં રહેતા બંગાળીઓને સાધવામાં લાગી ગયા છે.

નરોત્તમ મિશ્રા બંગાળથી મધ્ય પ્રદેશ પાછા પહોચ્યાના બીજા જ દિવસે ભોપાલમાં બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનની સાસુ ઈન્દિરા ભાદુરીને મળવા પહોંચ્યા. ભોપાલમાં રહેતા ઈન્દિરા ભાદુરી સાથે નરોત્તમ મિશ્રાએ ગત શુક્રવારે મુલાકાત કરી હતી. સાથે જ ભોપાળમાં આ સપ્તાહે યોજાનારા બંગાળી બંધુઓના સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. ઈન્દિરા ભાદુરી ભોપાલના શ્યામલા હિલ્સ વિસ્તારમાં રહે છે.

૯૦ વર્ષના ઈન્દિરા ભાદુરી બંગાળી પરિવારમાંથી આવે છે. તેમના પતિ અરુણ ભાદુરી પત્રકાર અને લેખક હતા. એક દીકરી જયા બચ્ચન બોલિવુડની ટોચની અભિનેત્રી રહ્યા છે અને હાલ સાંસદ સભ્ય છે. જ્યારે એક દીકરી ભોપાલમાં જ રહે છે. માર્ચ ૨૦૨૦માં અમિતાભ બચ્ચન સપરિવાર સાસુનો જન્મદિવસ ઉજવવા માટે ભોપાલ આવ્યા હતા. તો, ઈન્દિરા ભાદુરી પણ અવાર-નવાર મુંબઈ જાય છે. ઈન્દિરા ભાદુરીની ત્રણ દીકરીઓ છે.

હકીકતમાં, એમપીમાં બંગાળી સમાજના ઘણા લોકો રહે છે. એટલે, ભાજપ ભોપાલમાં બંગાળી સંમેલન યોજવા જઈ રહી છે. ભેલ વિસ્તારમાં બંગાળીઓની ઘણી વસ્તી છે એ વિસ્તારમાં કાલીબાડી પણ છે. એમપીમાં રહેતા બંગાળીઓને સાધીને ભાજપ બંગાળ જીતવા માંગે છે. એના ભાગરુપે જ નરોત્તમ મિશ્રાએ ઈન્દિરા ભાદુરી સાથે મુલાકાત કરી હતી.

બંગાળના લોકો ઈન્દોરમાં મોટી સંખ્યામાં રહે છે. અહીંના સવર્ણ બજારમાં કામ કરતા મોટાભાગના લોકો બંગાળી છે. ઈન્દોરમાં બંગાળીઓની વસ્તીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, લોકડાઉન દરમિયાન ઈન્દોરથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવી પડી હતી. આ ઉપરાંત જબલપુરમાં પણ ઘણા બંગાળીઓ રહે છે. એટલે ભાજપે મધ્ય પ્રદેશમાં રહેતા બંગાળીઓને સાધવાનું મિશન શરૂ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.