પ્રાકૃતિક ખેતી કરી નરસંડાના ઉમેશ ગોસ્વામીને મળ્યો – “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ”
ખેડા જિલ્લાના નડિઆદ તાલુકાના નરસંડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરી શ્રી ઉમેશભાઈ ગોસ્વામીએ પોતાની ખેતીની આવક બમણી કરી. ઉમેશ ભાઈ એ જણાવ્યું કે,પ્રાકૃતિક ખેતી પહેલા તેઓ બટાકા, ચિકોરી અને ઘઉંની જ ખેતી કરતાં હતા.
ત્યારબાદ પ્રાકૃતિક ખેતી દ્વારા ૬ વર્ષ થી બીટની ખેતી તેમણે શરૂ કરી હતી, જેનો તેમને સારું પરિણામ મળી રહ્યું છે,
ભારત સરકારના આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી બીટની પ્રાકૃતિક ખેતી કરતા ઉમેશભાઈએ શીખ્યું કે,ખેતરમાં અન્ય પાકોની જેમ બીટની ખેતી જો ગાદીક્યારો બનાવી કરવામાં આવે તો ઉતારો સારો મળે છે, તેથી તેમણે પણ નવતર પ્રયોગ રૂપે ગાદીક્યારો બનાવી પાક લેવાનું શરૂ કર્યું. જેનો તેમણે ખુબ જ ફાયદો થયો.
શ્રી ઉમેશભાઈએ ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૧૫-૧૬ માં પધ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા આયોજીત ગાય આધારિત ખેતીની આત્મા યોજનાની જિલ્લા બહાર તાલીમ અંતર્ગત ભાગ લીધો. ત્યારથી લઇ આજ સુધી તેઓ ખેતી પ્રાકૃતિક ખેતીપધ્ધતિથી ખેતી કરે છે.
શ્રી ઉમેશભાઈ એ પોતાનું અનુભવ જણાવતા કહ્યું કે ,ગાદીક્યારા બનાવવાથી પાણી માફકસરનું આપી શકાય છે, અને નિદામણ પણ સારી રીતે અને ખેત આધારીત ઓજાર દ્વારા કરી શકાય છે. પાટલા પધ્ધતિમાં છોડને ફક્ત ભેજ મળે છે, જેનાથી છોડનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન પણ સારૂ મળે છે. નિદામણ પણ મીની ટ્રેક્ટર દ્વારા કરવામાં આવતું હોવાથી તેમાં પણ ખર્ચની બચત થાય છે. ત્યારબાદ તેમણે ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી.
શ્રી ઉમેશભાઇએ પોતાના ખેતરે જ બીટની સફાઈ કરી ગ્રેડિગ કરીને વેચાણ કરવામાં આવતું હોવાથી ભાવ સારો મળે છે. સંપૂર્ણ ખેતી સજીવ ખેતી હોવાથી ખુબજ સારા ભાવે અને પોતાના ખેતરેથી જ વેચાણ કરતાં હોવાથી વાહનભાડાનો ખર્ચ બચે છે.
તેઓ ઘનજીવમૃત,બીજામૃત, જીવામૃત તથા ૨૦ પર્ણી અર્ક જાતે જ પોતાના ખેતરે તૈયાર કરે છે, અને તેનો જ ઉપયોગ કરે છે. તેમની સાથે તેમના ઘણા મિત્રોએ પણ આ પ્રકારની પધ્ધતિ અપનાવેલ છે, અને તેઓ પણ સજીવ ખેતી તરફ વળ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરવાથી ઉમેશ ભાઈને સારા પરિણામ મળ્યા છે, આ સિધ્ધિ બદલ તમને વર્ષ ૨૦૧૬-૧૭ માં મહુધા ખાતે કૃષિ કલ્યાણ મહોત્સવ કાર્યક્રમમાં આત્મા યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ” મળેલ છે.સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે વર્ષ ૨૦૧૮-૧૯ માં તેમને સજીવ ખેતીના સ્ટાન્ડર્ડ માટે સર્ટીફીકેટ પણ આપવામાં આવેલ છે. આજે પ્રાકૃતિક ખેતી કરી ઉમેશભાઈ ભારતીય કિસાન સંઘ ખેડા જિલ્લાના એકમ દ્વારા સજીવ ખેતી આયામના પ્રમુખ છે. – પ્રિન્સ ચાવલા